મુદતમાં વધારા પછી પણ થલતેજ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી કરવામાં ઠાગા ઠૈયાં

અમદાવાદ,બુધવાર,27 ઓગસ્ટ,2025
થલતેજમાં આવેલા તળાવને ડેવલપ કરવા કોન્ટ્રાકટર આસોપાલવ
ગાર્ડન કન્સલ્ટન્ટને વર્ષ-૨૦૨૩માં કોન્ટ્રાકટ અપાયો હતો.કોર્પોરેશનના જ વિવિધ
વિભાગની બેદરકારીના કારણે આ તળાવ ડેવલપ કરવાની કામગીરી પુરી થઈ શકી નથી.જયારે
કોન્ટ્રાકટરને મુદતમા વધારો અપાઈ રહયો છે. તળાવ ડેવલપમેન્ટની કામગીરી કેટલી પુરી
થઈ એ અંગે પાણી સમિતિના ચેરમેનને પુછતા તેમણે કહયુ, એ મારે પણ પુછવુ પડશે.
થલતેજમાં આવેલા તળાવને ડેવલપ કરવા વર્ષ-૨૦૨૨માં રુપિયા ૪.૭૯
કરોડના ખર્ચે ડેવલપ કરવા મ્યુનિસિપલ કમિશનરે મંજુરી આપી હતી.વર્ષ-૨૦૨૩માં
સ્ટેન્ડિંગ કમિટીએ રુપિયા ૪.૯૯ કરોડનુ કોન્ટ્રાકટરનુ ટેન્ડર મંજુર કર્યુ હતુ.વર્ક
ઓર્ડર અપાયા પછી કોન્ટ્રાકટરે તળાવ
આસપાસની ડેબરીઝ અને ઝાડી વગેરે દુર કરવાના શરુ કર્યા હતા.પરંતુ તળાવ આસપાસના દબાણો
જ દુર કરાયા નહતા.આ પ્રોજેકટની મુદત ૧૮ ઓગસ્ટ-૨૪ના રોજ પુરી થઈ ગઈ
હતી.કોન્ટ્રાકટરને ૧૭ નવેમ્બર-૨૦૨૪ સુધી મુદત વધારી અપાઈ હતી.ત્રણ મહીનામા કામગીરી
પુરી થાય એમ નહી હોવાથી ભાજપના શાસકોએ તળાવ ડેવલપમેન્ટના વધારાના કામ સુચવ્યા
હતા.સામાન્ય રીતે આ સુચન પ્રોજેકટ શરુ થાય એ પહેલા કરવાના હોય છે.૩૦ જુન-૨૦૨૫ સુધી
કોન્ટ્રાકટરની મુદત પાણી સમિતિમાં વધારી અપાઈ છતાં કામગીરી પુરી થઈ નથી.









