સવા વર્ષ બાદ પણ ફક્ત ૨૭ પશુપાલકોએ મ્યુનિ.કોર્પોરેશન પાસે લાયસન્સ લીધા

ગાંધીનગરમાં ઢોર નિયંત્રણ પોલિસી લાગુ થયાને
અત્યાર સુધીમાં નવા અને જૂના વિસ્તારમાં ૧૨ હજાર જેટલા પશુઓને આરએફઆઈડી લગાવી દેવામાં આવ્યા
ગાંધીનગર : ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત ગત ઓક્ટોબર ૨૦૨૩માં જાહેરનામું પ્રસિદ્ધ કરીને પશુઓ રાખવા માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે સવા વર્ષમાં હજી સુધી ૨૭ પશુપાલકોએ જ લાયસન્સ લીધા છે તો બીજી બાજુ કોર્પોરેશન વિસ્તારમાં ૧૨ હજાર જેટલા પશુઓને આરએફઆઇડી લગાવવામાં આવ્યા છે.
પાટનગર ગાંધીનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી હતી. આ પોલિસી લાગુ કરતાં પહેલાં કોર્પોરેશન દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે વર્ષોથી ચાલતા ઢોરવાડા હટાવવામાં આવ્યા હતા અને સરકારી કરોડો રૃપિયાની જગ્યા ખાલી કરવામાં આવી હતી. ગાંધીનગર કોર્પોરેશનના નવા અને જૂના વિસ્તારમાં પશુ રાખવા માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું હતું અને આ માટે ગત ૨૧ ઓક્ટોબર ૨૩ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરીને ચાર મહિનાની અંદર ૨૦૦ રૃપિયા ફી ભરી પશુનું રજીસ્ટ્રેશન કરાવી દેવા માટે તાકીદ કરવામાં આવી હતી પરંતુ સવા વર્ષમાં હજી સુધી નવા અને જૂના વિસ્તારમાં ૨૭ જેટલા પશુપાલકોએ પશુઓ રાખવા માટે લાયસન્સ લીધા છે. મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં નવા અને જૂના વિસ્તારોમાં ૧૨ હજાર જેટલા પશુઓને આર એફ આઈ ડી ટેગ લગાડી દેવામાં આવ્યા છે. તો ૨ હજારથી વધુ રખડતાં ઢોર પકડવામાં આવ્યા છે. ૧ હજાર જેટલા ઢોર પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે જ્યારે ૨૦૦ જેટલા ઢોર દંડ વસૂલી છોડી મૂકવામાં આવ્યા છે. બાકીના પશુઓને ઢોર ડબ્બામાં મોકલાયા છે. મહાનગરપાલિકા દ્વારા રખડતાં ઢોર છોડાવવા બદલ ૧૦ લાખ જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. લાયસન્સ વિના પશુઓ રાખતા પશુપાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ફરી પાછી ગેરકાયદે ઢોરવાડા હટાવવાની ઝુંબેશ પણ શરૃ કરી દેવામાં આવી છે.








