Gujarat

અલગ રહેતી પત્નીએ ટુ વ્હીલર પર જતા પતિને પાટું મારી પાડી દીધો

By GS TEAM
18 Jul 20252 mins read
અલગ રહેતી પત્નીએ ટુ વ્હીલર પર જતા પતિને પાટું મારી પાડી દીધો

જામનગર રોડ પરની વાંકાનેર સોસાયટી પાસેનો બનાવ :  હોસ્પિટલમાં સારવાર લેવા જતાં ત્યાં પણ અજાણ્યા શખ્સો સાથે આવી હતી : એક શખ્સે છરી બતાવી ધમકાવ્યો

રાજકોટ, : ભીલવાસ શેરી નં. 3માં રહેતાં અને ઓરકેસ્ટ્રામાં કામ કરતાં પારસભાઈ વાઘેલા (ઉ.વ. 40)ને તેની પત્ની શ્વેતાએ  ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ છે.  જેમાં પારસભાઈએ જણાવ્યું છે કે તેની પહેલી પત્નીએ 2016માં આત્મહત્યા કરી લેતાં 2018માં શ્વેતા સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના પણ આ બીજા લગ્ન હતા. તેની સાથે નહીં બનતા દોઢ વર્ષ પહેલા અલગ રહેવા જતી રહી હતી. પુત્ર પરત મેળવવા માટે કોર્ટ કેસ કર્યો હતો. જે તે જીતી ગયા હતા. બાદમાં છૂટાછેડાનો કેસ કર્યો હતો. જે હાલ કોર્ટમાં ચાલુ છે. ગઈ તા. 16મીએ બપોરે એકટીવા લઈ નવી કોર્ટથી ઘર તરફ જતા હતા ત્યારે માધાપર ચોકડીના પુલ પાસે શ્વેતા ટુ વ્હીલર પર પાછળ આવી હતી અને તેને ગાળો ભાંડી હતી. જેને કારણે તેણે એકટીવા ભગાડી મુકયું હતું. આમ છતાં તેનો પીછો કરી વાંકાનેર સોસાયટી પાસે તેના એકટીવાને પાટું મારતા નીચે પડી ગયા હતા. જેને કારણે ઈજા થઈ હતી.  ત્યાર પછી સારવાર માટે સિવીલ હોસ્પિટલ ગયા હતા. ટ્રોમા સેન્ટરમાં સારવાર લેતા હતા ત્યારે ત્યાં શ્વેતા અને ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા. જેમાંથી એકે છરી બતાવી કહ્યું કે તું કેમ શ્વેતાબેનને હેરાન કરશ. આ પહેલા પણ શ્વેતા અને અજાણ્યા શખ્સો તેના ઘરે આવ્યા હતા તેવી માહિતી પાડોશીઓ પાસેથી મળી છે.