વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59 ટકા મતદાન
2022 વિધાનસભા કરતા 0.3 ટકા વધુ મતદાન કુલ 2.61 લાખમાંથી 1.48 લાખથી વધુ મતદારોએ 16 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કર્યું : છેલ્લી એક કલાકમાં આશ્ચર્યજનક રીતે માત્ર 2.28 ટકા જ મત પડયા
જૂનાગઢ, : વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સવારથી સાંજ સુધીમાં સરેરાશ અંદાજીત 56.59 ટકા મતદાન થયું હતું. પ્રથમ બે કલાકમાં સરેરાશ 12.10 ટકા મતદાન થયું હતું. જ્યારે છેલ્લી એક કલાકમાં આશ્ચર્યજનક માત્ર 2.28 ટકા જ મત પડયા હતા. 2022 વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 56.59 ટકા મતદાન થયું હતું આ વખતે તેનાથી માત્ર 0.3 ટકા જ મતદાન વધ્યું છે. મતદાનની ટકાવારી મુજબ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા આગેવાનોએ હાર-જીતના ગણીત માંડવાનું શરૂ કર્યું હતું.
વિસાવદર વિધાનસભા ક્ષેત્રમાં વિસાવદર, ભેસાણ તથા જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. આજે વહેલી સવારે ર૯૪ મતદાન મથક પર પોલીંગ સ્ટાફ દ્વારા રાજકીય પક્ષના એજન્ટની હાજરીમાં મોકપોલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. શરૂઆતની પ્રથમ બે કલાકમાં તમામ મતદાન મથક પર કતારો જોવા મળી હતી. 7થી 9 દરમ્યાન સરેરાશ 12.10 ટકા મત પડયા હતા. ખેતીની સિઝન હોવા છતાં સવારથી બપોર સુધી મત આપવા માટે ધસારો રહ્યો હતો. 9થી 11 દરમ્યાન સૌથી વધુ 16.05 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ મતદાનની ટકાવારી ક્રમશ: ઘટતી ગઈ હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા મત પડયા હતા. જ્યારે અંતિમ એક કલાકમાં એટલે કે 5થી 6 વાગ્યા દરમ્યાન માત્ર 2.28 ટકા જ મતદાન થયું હતું. આમ, કુલ 1,35,613 પુરૂષ મતદારમાંથી 82,932 અને 1,25,493 મહિલાઓમાંથી 65,612 મહિલાઓએ જ્યારે 4 અન્યમાંથી 1 મતદાર મળી કુલ 2,61,110 માંથી 1,48,555 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વિસ્તારના પ્રતિનિધિની પસંદગી કરી હતી. શરૂઆતની 2 કલાકમાં 12.10 અને અંતિમ એક કલાકમાં માત્ર 2.28 ટકા જેટલું જ કંગાળ મતદાન થયું હતું. આ બાબતથી આશ્ચર્ય વ્યાપ્યું હતું.
સાંજે 6 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ, વીવીપેટ સીલ કરવાની પ્રક્રિયાનું રેકોર્ડીંગ કર્યા બાદ પોલીંગ સ્ટાફ વિસાવદરના માંડાવડ રિસીવિંગ સેન્ટર ખાતે પહોંચ્યો હતો. મોડી રાત સુધી ત્યાં ઈવીએમ સહિતનું ચૂંટણી સાહિત્ય રિસીવ કરવાની પ્રક્રિયા ચાલી હતી. વિસાવદર ક્ષેત્રના કુલ 1,48,545 મતદારોએ પોતાના વિસ્તારના ધારાસભ્યની પસંદગી માટેનો નિર્ણય EVMમાં કેદ કરી દીધો છે. હવે તા. 23 ના સવારે કૃષિ યુનિવર્સિટીમાં આવેલી કોલેજ ખાતે મતગણતરી બાદ કોણ વિજેતા બનશે એ સ્પષ્ટ થશે. આજે સાંજે બુથના આંકડાઓ મેળવી રાજકીય પક્ષના આગેવાનો તથા ઉમેદવારોએ હાર-જીતનું ગણીત માંડવાનું શરૂ કરી દીધુ હતું. હવે પ્રજાએ કોની પસંદગી કરી છે તે અંગે હાલ વિસાવદર ઉપરાંત રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
સૌથી વધુ 9થી 11 દરમ્યાન 16.05 ટકા મતદાન
વિસાવદર વિધાનસભા બેઠક પર શરૂઆતની પ્રથમ બે કલાક એટલે કે 7થી 89 દરમ્યાન 12.10 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ 9થી 11 દરમ્યાન સૌથી વધુ 16.05 ટકા મતદાન થયું હતું. બપોરે આ પ્રક્રિયા ધીમી પડી હતી. 1થી 3 દરમ્યાન 8.42 અને 3થી 5 દરમ્યાન માત્ર 6.94 ટકા જ મત પડયા હતા. જ્યારે 5થી 6 દરમ્યાન એક કલાકમાં 2.28 ટકા મતદાન થયું હતું. આમ, સવારે 7થી સાંજે 6 સુધીમાં અંદાજીત 56.89 ટકા સરેરાશ મતદાન થયું હતું.