Gujarat

૧૨૩.૨૨ કરોડના નલ સે જલ કૌભાંડમાં રિકવરીની નોટિસોમાં પણ ભૂલ

By GS TEAM
27 Jun 20251 min read
૧૨૩.૨૨ કરોડના નલ સે જલ કૌભાંડમાં રિકવરીની નોટિસોમાં પણ ભૂલ

સંતરામપુર,મહિસાગર જિલ્લામાં થયેલા ૧૨૩.૨૨ કરોડના નલ સેજલ કૌભાંડમાં વડોદરા સી.આઇ.ડી.ક્રાઇમમાં ગુનો દાખલ થયા પછી હવે કોન્ટ્રાક્ટરોને અગાઉ આપવામાં આવેલી રિકવરીની નોટિસો ચર્ચાનો મુદ્દો બન્યો છે. સૌ પ્રથમ એક એજન્સીને ૫.૪૩કરોડની વસુલાતની નોટિસ આપવામાં આવી હતી. જે બાદમાં સુધારો કરીને ૧.૪૩ કરોડ કરવામાં આવી હતી.

સતત પાંચ વર્ષ સુધી આચરવામાં આવેલા નલ સે જલના  કૌભાંડમાં ગેરરીતિ આચરનાર એજન્સીઓ સામે ગુનો દાખલ થયો નથી. માત્ર સરકારી અધિકારી અને આઉટ સોર્સના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઇ છે. ખાતાકીય  તપાસમાં ૬૨૦ જેટલા ગામોમાં ગેરરીતિ  થઈ હોવાના અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યા હતા જેના આધારે જિલ્લાની ૧૧૧ એજન્સીઓને ડીબાર કરી નાણાં પરત ભરવાની નોટિસો આપવામાં આવી હતી. પરંતુ, એજન્સીઓએ કોર્ટનો સહારો લેતા તમામ એજન્સીઓને ડીબારમાંથી મુક્ત કરવાનો હુકમ કોર્ટે કર્યો હતો. જેથી, તમામ એજન્સી ઓ ને ડીબારમાં થી મુક્ત કરવામાં આવી  હતી.  કોર્ટના હુકમના થોડા સમય બાદ ફરી ૧૧૧ એજન્સીઓને ત્રણ વર્ષ માટે ડીબાર કરી હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.ડિપાર્ટમેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટરોને પૈસા પરત  કરવાની નોટિસો તો આપવામાં આવી પરંતુ, તે નોટિસોમાં દર્શાવવામાં આવેલા આંકડાઓમાં સુધારો કરવામાં આવતા નોટિસ આપવામાં  પણ ભૂલ થઇ હોવાની ચર્ચા થઇ રહી છે.