વડોદરાની વિશ્વામિત્રીમાં ડ્રેજીંગ બાદ કેટલાક સ્થળે કાંઠા પર ધોવાણ જોવા મળ્યું
Vadodara Vishwamitri River : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ વધારવામાં આવ્યા બાદ કાંઠા પર પાળાની કામગીરી કરાયા પછી નદીમાં પાણીની આવક થતા અને સપાટી વધતા કેટલાક સ્થળે ધોવાણ જોવા મળ્યું છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી સમિતિના નિષ્ણાતોના કહેવા મુજબ કેટલુંક ધોવાણ અપેક્ષિત હતું, કેમ કે નદીમાં ડ્રેજીંગની કામગીરી કરાયા બાદ નદી તેની પૂર્વ સ્થિતિમાં વહેતી થઈ હોઈ શકે. નદીનો પ્રવાહ તેના મૂળ સ્વરૂપમાં વહેતો થયો હશે. જેના કારણે કાંઠા પરનું ધોવાણ જોવા મળ્યું છે. આમ છતાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. જોકે ડ્રોન કેમેરાથી નદી પર થઈ રહેલા ફેરફારો અંગે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ નિષ્ણાતોની સમિતિએ નદી કાંઠા પર ઉગેલા વૃક્ષો વિના કારણે કાપવામાં ન આવે, તે માટે નિશાનીઓ પણ મૂકી હતી, અને સાવધ કર્યા હતા કે જો આડેધડ કાપણી કરવામાં આવશે તો કાંઠા પરનું ધોવાણ થવાનું જોખમ વધી શકે છે. કોર્પોરેશનના અધિક સીટી એન્જિનિયરે પણ સ્વીકાર્યું છે કે કેટલું ધોવાણ જોવા મળ્યું છે, પરંતુ પરિસ્થિતિ ગંભીર નથી. નદીકાંઠા પર ધોવાણ ન થાય તે માટે મોટા જથ્થામાં જીઓ ટેક્સટાઈલ મટીરીયલ મળવું મોડું થતા મજબૂતીકરણનું કામ કરવામાં વિલંબ થયો છે. આ ઉપરાંત વરસાદ વહેલો શરૂ થતાં અને મજબૂતીકરણ માટે જીઓ ટેક્સટાઇલની કામગીરીનો નિર્ણય મોડો લેવાતા કાંઠા પર મજબૂતીકરણનું કામ વ્યાપક પણે થઈ શક્યું નથી. આમ છતાં જે ઘાસ ઉગાડવાનું કામ કરાયું છે તે વરસાદ વહેલો થતાં કુદરતી રીતે તેનો ઉછેર થઈ શકશે અને કાંઠાની જમીન સેટલ થતાં કુદરતી રીતે પાળા મજબૂત થઈ શકશે.