Gujarat

એન્જિનિયરીંગના વિદ્યાર્થીએ ધોધમાર વરસાદમાં આઠમા માળેથી કૂદીને આપાઘાત કર્યો

By GS TEAM
6 Jul 20253 mins read
એન્જિનિયરીંગના વિદ્યાર્થીએ ધોધમાર વરસાદમાં આઠમા માળેથી કૂદીને આપાઘાત કર્યો

 વડોદરા,બરોડા મેડિકલ કોલેજના ટેકનિશિયનના ૨૨ વર્ષના પુત્રે સનફાર્મા રોડ પર બંધ પડેલી મેપલ વિસ્ટા બિલ્ડિંગની અગાશી પરથી નીચે ઝંપલાવી મોત વહાલું કરી લીધું હતું.  જે.પી.રોડ પોલીસે ઘટના સ્થળે  દોડી જઇ મૃતદેહને પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આપઘાતનું કોઇ ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.

 બનાવ અંગે મળતી માહિતી મુજબ, સનફાર્મા રોડ પર યોગી આશિષ સોસાયટીમાં  રહેતા મુકેશ પટેલ બરોડા મેડિકલ કોલેજમાં  બાયો કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ટેકનિશિયન  છે. તેમનો ૨૨ વર્ષનો  પુત્ર ચિંતન એમ.એસ.યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિન્યિરીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આજે સવારે ૧૦ વાગ્યે પ્રોજેક્ટ બનાવવાનો સામાન લેવા  ઘરેથી બાઇક લઇને ચિંતન નીકળ્યો હતો. બપોરે પોણા એક વાગ્યે તે  સનફાર્મા રોડ પર બંધ પડેલી મેપલ વિસ્ટા નામની બિલ્ડિંગની અગાશી પર ગયો હતો. ધોધમાર વરસતા વરસાદ વચ્ચે થોડીવાર અગાશીમાં આંટા માર્યા  પછી તે એકદમ અગાશીની  પાળી પર ચઢી ગયો હતો અને નીચે ઝંપલાવી દીધું હતું. બનાવને નજેર જોનાર એસ્ટેટ બ્રોકર સમીરભાઇએ પોલીસ કંટ્રોલ રૃમ અને ૧૦૮ ને કોલ કર્યા હતા. પરંતુ,  ચિંતનનો જીવ બચી શક્યો નહતો. બનાવની જાણ થતા જે.પી.રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.  પોલીસે મૃતદેહને પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.


પોલીસ તપાસ કરતી હતી ત્યારે જ 

મૃતકના મોબાઇલ પર તેના પિતાનો કોલ આવ્યો

પોલીસે પિતાને  કહ્યું કે, એક બનાવ બન્યો છે,તમે તાત્કાલિક આવી જાવ...

વડોદરા,

પોલીસને મેસેજ મળતા સ્થળ પર પહોંચી હતી. નજીકમાં જ મૃતકની  બાઇક  પડી હતી. બાઇક નજીક એક થેલામાં સામાન પડયો હતો. પોલીસ બાઇકના નંબરના આધારે મૃતકની ઓળખ કરવાની કોશિશ કરતી  હતી. તે સમયે જ મૃતકના મોબાઇલની રીંગ વાગી હતી. સામેથી મૃતકના પિતા જ વાત કરતા હતા. પોલીસ જવાન દિનેશભાઇએ ફોન રિસિવ કર્યો અને કહ્યું કે, કોણ બોલો છો ? આ ફોન કોનો છે ? સામેથી મૃતકના પિતા મુકેશ પટેલે  કહ્યું કે, આ ફોન મારા દીકરા ચિંતનનો છે. જેથી, દિનેશભાઇએ તેઓને કહ્યું કે, એક બનાવ બન્યો છે. તમે મેપલ વિસ્ટા  પર આવી જાવ. એટલે ચિંતનના પિતા સગા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ પોલીસે તેઓને આપઘાતની જાણ કરી હતી. 



હું કંઇ સમજુ તે પહેલા તો યુવકે નીચે ઝંપલાવી દીધું 

વડોદરા,

ચિંતનના માતા ઘરકામ કરે છે. ચિંતને કયા કારણસર અંતિમ  પગલું ભર્યુ તે  હજી જાણી શકાયું નથી. પરંતુ, આ સમગ્ર ઘટનાને નજરે જોનાર એસ્ટેટ બ્રોકર સમીરભાઇએ કહ્યું કે, મેપલ વિસ્ટાની બિલ્ડિગની નજીક જ મારા મિત્રની બીજા માળે આવેલી ઓફિસમાં અમે બેઠા હતા. ત્યારે મારી નજર અચાનક મેપલ વિસ્ટા બિલ્ડિંગની અગાશી પર ધોધમાર વરસાદમાં ચાલતા યુવાન પર  પડી હતી. મને કંઇક અજુગતુ લાગ્યું હતું. હું કંઇ સમજી શકું તે પહેલા તો આ યુવક અગાશીની દીવાલ પર ચઢી ગયો હતો. અને તરત જ તેણે નીચે પડતુ મૂક્યું હતું.



૧૨ : ૫૫  કલાકે કંટ્રોલ  રૃમમાં કોલ આવ્યો કે, એક યુવકની હિલચાલ શંકાસ્પદ લાગે છે

 વડોદરા,

એસ્ટેટ બ્રોકરે જણાવ્યું હતું કે, મેં ૧૨ ઃ ૫૫ કલાકે કંટ્રોલ  રૃમમાં કોલ કર્યો હતો કે, અહીંયા એક યુવક અગાશી પર ચઢી ગયો છે. તેની હિલચાલ શંકાસ્પદ લાગે છે. તેની  થોડી જ વારમાં યુવાને નીચે  પડતુ મૂક્યું હતું. હું અને મારો મિત્ર લિફ્ટમાં તરત જ નીચે આવ્યા હતા અને એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ગયા હતા. એમ્બ્યુલન્સના એટન્ડન્ટે પંપીંગ કરી યુવાનનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેનું મોત થઇ ગયું હતું. ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.