Get The App

નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 હજારની છેતરપિંડી

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 હજારની છેતરપિંડી 1 - image

- વોટ્સએપ દ્વારા લિંક મોકલી અલગ અલગ પેકેજ દર્શાવ્યા

- ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યા બાદ ટિપ્સ આપવાનું બંધ કરી ઠગાઈ આચરતા 5 વિરુદ્ધ ફરિયાદ 

નડિયાદ : નડિયાદ શહેરની રાજદીપ સોસાયટીમાં રહેતા અને સરકારી વિભાગમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા એક યુવાનને શેરબજારમાં ઇક્વિટીના બદલે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં રોકાણ કરી મોટો નફો મેળવવાની લાલચ આપી રૂપિયા ૭૫,૦૦૦ની છેતરપિંડી આચરવામાં આવી છે. ધ કેપિટલ સર્વિસ રિસર્ચ એનાલિસ્ટ કંપનીના નામે સંપર્ર્ક કરી ભેજાબાજોએ યુવાન પાસેથી અલગ અલગ હપ્તે નાણાં પડાવી લીધા હતા. આ મામલે યુવાને સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કર્યા બાદ હવે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નડિયાદની વૈશાલી સિનેમા પાછળ આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા અને સરકારી વિભાગમાં આઉટસોર્સ એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવાનના મોબાઈલ ફોન પર ગત સપ્ટેમ્બર મહિનામાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર મહિલાએ પોતાની ઓળખ રાખીબેન તરીકે આપી પોતે ધ કેપિટલ સર્વિસ રિસર્ચ એનાલિસ્ટ કંપનીમાંથી બોલતી હોવાનું જણાવ્યું હતું. તેણે યુવાનને શેરબજારમાં રોકાણ અંગે પૂછપરછ કરી ઇક્વિટી કરતા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં વધુ નફો મળતો હોવાનું જણાવી રોકાણ કરવા લલચાવ્યા હતા. શરૂઆતમાં વોટ્સએપ દ્વારા કંપનીની લિંક મોકલી હતી જેમાં રોકાણ માટે ૭૫૦૦૦થી લઈને ૨.૫૦ લાખ સુધીના અલગ અલગ પેકેજ દર્શાવવામાં આવ્યા હતા. એન્જિનિયર યુવાને રૂપિયા ૭૫૦૦૦ વાળું પેકેજ પસંદ કરતા પ્રથમ હપ્તા તરીકે ૩૭૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. નાણાં ટ્રાન્સફર કર્યા બાદ કંપનીના એકાઉન્ટ વિભાગમાંથી બોલતા હોવાનું કહી અન્ય શખ્સોએ આધાર કાર્ડ અને ઇમેઇલ એડ્રેસ મેળવ્યા હતા. ત્યારબાદ શેરબજારની ટિપ્સ આપવાનું શરૂ કરાયું હતું. જેમાં શરૂઆતના ૬ દિવસમાં ૨૫૦૦૦ જેટલો નફો થતા એન્જિનિયરને વિશ્વાસ બેઠો હતો. આથી તેમણે બાકી રહેલા ૩૮૦૦૦ પણ ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. આમ કુલ ૭૫૦૦૦ની રકમ કંપનીમાં જમા થયા બાદ ૧૭ સપ્ટેમ્બરના રોજ આપેલી એક ટિપ્સમાં યુવાને ૧.૨૦ લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ તેમાં મોટું નુકસાન ગયું હતું. આ નુકસાનને નફામાં બદલી આપવાની ખાતરી આપી ફરી ૭૫૦૦૦ની માંગણી કરવામાં આવી હતી. જોકે એન્જલ વન અને ગ્રો એપના એક્ઝિક્યુટિવ હોવાની ઓળખ આપતા શખ્સો પર શંકા જતા તપાસ કરતા આવી કોઈ સ્કીમ ન હોવાનું બહાર આવ્યું હતું.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા એન્જિનિયર યુવાને નાણાં પરત માંગ્યા હતા, પરંતુ સામે પક્ષે ટિપ્સ આપવાનું બંધ કરી દીધું હતું અને નાણાં પણ પરત આપ્યા નહોતા. છેવટે આ મામલે સાયબર ક્રાઈમમાં અરજી કરવામાં આવી હતી. જેના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે મોબાઈલ નંબર ધારકો અને જે બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા હતા તે કેનેરા બેંક અને ઉજીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના એકાઉન્ટ ધારકો સહિત કુલ ૫ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.