Gujarat

શેર બજારમાં રોકાણના નામે ઇજનેર સાથે 5.86 લાખની ઓનલાઇન છેતરપિંડી

By GS TEAM
14 Apr 20261 min read
શેર બજારમાં રોકાણના નામે ઇજનેર સાથે 5.86 લાખની ઓનલાઇન છેતરપિંડી

વધારે નફો કમાવવાની લાલચ ભારે પડી

મીરાં નામની મહિલાએ રોકાણકાર સંસ્થાના પ્રતિનિધિ હોવાની ઓળખ આપી વિશ્વાસ સંપાદિત કર્યા બાદ જેમ્સ નામના વ્યક્તિએ નાણાં ટ્રાન્સફર કરાવ્યા

જામનગર : જામનગરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને શેરબજારમાં વધારે નફો અપાવવાની લાલચ આપી એક ઇજનેર યુવાન પાસેથી રૂા.૨૫,૮૬,૦૦૦ની રકમ છેતરપિંડીથી લઇ લેવાયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવ અંગે જામનગરમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા કમલેશભાઇ મહેશભાઇ તિર્થાણી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસમાં મહિલા સહિત નવ આરોપી સામે ફરિયાદ નોંધાવાઇ છે. તમામ આરોપીઓએ સોશિયલ મીડિયામાં આકર્ષક જાહેરાતો મૂકી શેરબજારમાં રોકાણ કરીને ભારે નફો કમાવવાની લાલચ આપી હતી. આ જાહેરાત દ્વારા ફરિયાદીનો સંપર્ક 'મીરાં' નામની મહિલાથી થયો, જેણે પોતાને એક નોંધાયેલ રોકાણ સંસ્થાની પ્રતિનિધિ ઓળખાવી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ 'જેમ્સ' નામના વ્યક્તિએ પોતાને ગ્રાહક સેવા સંચાલક તરીકે ઓળખાવી વોટ્સએપ દ્વારા અલગ-અલગ બેંક ખાતાની વિગતો મોકલી ફરિયાદી પાસેથી કુલ રૂા.૨૫,૮૬,૦૦૦ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. બાદમાં આ રકમ પરત આપવામાં આવી નહોતી. જામનગર સાયબર સેલના પીઆઇ આઇ.એ.ધાસુરા અને તેઓની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.