વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ ની કાનૂની લડાઇનો અંત

- 30 વર્ષની લડાઈના અંતે કાયમી થશે, પગાર વધારો અને એરિયર્સ પણ મળશે હાઈકોર્ટે લેબર કોર્ટ નો ચુકાદો માન્ય રાખ્યો
વડોદરા, તા. 16 ડિસેમ્બર, 2021, ગુરૂવાર
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ ની વર્ષોથી ચાલતી કાનૂની લડાઇનો અંત આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે લેબર કોર્ટના ચુકાદાને માન્ય રાખીને લેબર કોર્ટ ને શિક્ષણ સમિતિ અને કમિશનરને ચુકાદાનો અમલ કરાવવા આદેશ કર્યો છે .વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ નો વર્ષોથી કાયમી કરવા અંગેનો કેસ ચાલતો હતો .ચોથા વર્ગના કર્મચારીઓને તારીખ 3-3-1992ના રોજ એક વર્ષનો પ્રોબેશન પિરિયડ દૂર કરી કાયમી કરવાનો કેસ વર્ષ 2000થી ગુજરાત હાઈ કોર્ટમાં ચાલતો હતો. જેનો ચુકાદો વર્ષ 2012માં આવ્યો હતો અને લેબર કોર્ટમાં કેસ ચલાવવા કહયું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ એ 2012માં લેબર કોર્ટમાં કેસ કર્યો હતો જેનો તારીખ 20 ફેબ્રુઆરી 2019 ના રોજ કર્મચારીઓ ની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. જેનો અમલ નહીં થતાં સંઘ ફરી 2019માં ગુજરાત હાઇકોર્ટમાં ગયું હતું .ગુજરાત હાઈકોર્ટે તારીખ 3- 12 -2021 ના રોજ ઓર્ડર કર્યો છે કે કોર્ટ મારફતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા અમલ કરે .તેથી કર્મચારી સંઘ એ નાયબ શ્રમ આયુક્ત વડોદરા ને પણ આ ઓર્ડર રજુ કરી દીધો છે અને એવોર્ડ નો અમલ કરવા અનુરોધ કર્યો છે.આમ તારીખ 3 -3 -૧૯૯૨થી એટલે કે ૩૦ વર્ષથી ફરજ બજાવતા 570 કર્મચારીઓને કાયમી કર્મચારીઓને મળતા તમામ લાભો મળશે. શિક્ષણ સમિતિમાં ૧૯૭૭થી કામ કરતા કર્મચારીઓને 1992માં એક વર્ષ પ્રોબેશન પિરિયડ અપાયો હતો આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ નહીં આવતા વર્ષ 2000માં કેસ દાખલ કરાયો હતો અને ત્યારથી રજૂઆત કરી હતી. આજે શિક્ષણ સમિતિ ખાતે કર્મચારીઓએ એકત્રિત થઈ મોં મીઠું કરી તરફેણમાં ચુકાદો આવતાં ખુશી મનાવી હતી.
ચોથા વર્ગના 570 કર્મચારીઓમાં પટાવાળા પગી, સફાઇ સેવક ,તેડાગર બાઈઓ વગેરેનો સમાવેશ થતો હતો. એ પછી સમય પસાર થતો ગયો તેમ તેમ અમુક નિવૃત્ત થતાં ગયા તો કેટલાક મૃત્યુ પણ પામ્યા છે .હાલ 190 ફરજ બજાવે છે .2019માં ચુકાદો આવ્યો ત્યારે 234 ફરજ બજાવતા હતા. જે નિવૃત્ત થયા છે તેઓને પેન્શનનું એરિયર્સ પણ મળશે .2019 ના ચુકાદા પહેલા ના કર્મચારીઓ છે તેઓને પગાર વધારો મળશે પણ એરીયર્સ નહીં મળે. ત્યારે 2019 પછી ચાલુ નોકરી ધારકોને પગાર વધારા ઉપરાંત એરિયર્સ પણ મળશે. ઉચક ને બદલે વ્યવસ્થિત ગ્રેજ્યુઇટી નો લાભ પણ તમામને મળશે .દરેક કર્મચારીનો સરેરાશ મહિને ૧૫થી ૧૭ હજાર પગાર વધશે. હવે લેબર કોર્ટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને કોર્પોરેશનને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ચુકાદાનો અમલ કરાવવા જણાવશે, તેમજ સંઘના પ્રમુખે જણાવ્યું હતું.

