Vadodara Corporation : વડોદરા નવા બજાર વિસ્તારમાં પાલિકા કમિ.ની ઓચિંતી મુલાકાત બાદ ગેરકાયદે ઓટલાના થયેલા સફાયાથી રોડ રસ્તા ખુલ્લા થયા પછી નવા બજારની સમાંતર મંગળ બજાર વિસ્તારમાં પણ લારી ગલ્લા પથારા સહી દુકાનોના લટકણીયા દૂર કરાયા બાદ આજે બીજા દિવસે સતત દબાણ શાખાનું પેટ્રોલિંગ રહેતા આ તમામ વિસ્તારોમાંથી વાહનોનો ધમધમાટ શરૂ થયો હતો. આવી જ રીતે કડક બજારમાં પણ રોડ રસ્તા ખુલ્લા કરાવીને પેટ્રોલિંગના સહારે વાહન વ્યવહાર આ રોડ રસ્તેથી પણ શરૂ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, નવા બજાર વિસ્તારમાં બે દિવસ અગાઉ પાલિકા કમિશનરે અરુણ મહેશ બાબુએ અચાનક મુલાકાત લીધી હતી ત્યારબાદ રોડ રસ્તા પર થયેલા ઓટલાના દબાણો પર રાતોરાત બુલડોઝર ફેરવી રોડ રસ્તા ખુલ્લા કરાયા હતા. આવી જ રીતે ગઈકાલે મંગળ બજાર લહેરીપુરા વિસ્તારમાં હંગામી દબાણો સહિત દુકાનોના લટકણીયાઓ પણ હટાવાયા હતા. આ ઉપરાંત મંગળ બજાર લહેરીપુરાના તમામ દુકાનદારોને લટકણીયા નહિ લટકાવવા અને વધારાનો માલ સામાન દુકાન બહાર નહીં રાખવા કડક ચિંમકી આપવામાં આવી હતી. અન્યથા દુકાનોને સીલ મારવા સહિત ભારે દંડ પણ ફટકારવાની નોબત આવી શકે તેમ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. જેથી આજે બીજા દિવસે લહેરીપુરા મંગળ બજાર વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાના સ્ટાફનું કડક પેટ્રોલિંગ સવારથી ગોઠવી દેવાયું હતું. પરિણામે રાવપુરા રોડ પર તરફથી આવતા ટુવિલર સહિતના અન્ય નાના વાહનોને મંગળ બજાર તરફ વાળવામાં આવ્યા હતા પરિણામે આ વિસ્તારના રોડ રસ્તા વાહનોથી ધમધમી ઉઠ્યા હતા.
આવી જ રીતે સયાજીગંજ વિસ્તારના કડક બજારમાં પણ કેટલાક દિવસ અગાઉ ગેરકાયદે ઓટલા સહિત લારી, ગલ્લા, પથારાના દબાણો દૂર કરાવાયા હતા. ત્યાં પણ આજે દબાણ શાખાનું કડક પેટ્રોલિંગ સવારથી જ ગોઠવી દેવાયા બાદ આ વિસ્તારમાં પણ ટુ-વ્હીલરો, રીક્ષાઓ અને ફોર વીલરોનો પણ ધમધમાટ જોવા મળ્યો હતો.


