વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ જારી : એરપોર્ટની આસપાસ પેરીફેરીમાં આવતા દબાણોનો સફાયો
Vadodara Corporation : વડોદરા શહેરમાં તમામ જાહેર અને આંતરિક રોડ રસ્તે ગેરકાયદે દબાણો દિવસે ન હોય એટલા રાત્રે અને રાત્રે ન હોય એટલા દિવસે ફૂટી નીકળે છે ત્યારે દબાણ શાખાની ટીમ માટે પણ માથાનો દુખાવો બની ગઈ છે. જ્યારે બીજી બાજુ મ્યુનિ. કમિશનરે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરીને હાઇકોર્ટના આદેશ અનુસાર શહેરને દબાણ મુક્ત બનાવવા ચોક્કસ નીતિ બનાવવી પડશે તેમ કહ્યું છે ત્યારે શહેરના ન્યુ વીઆઇપી રોડ પર એરપોર્ટ અને એરફોર્સની આજુબાજુની જમીનોમાં મિલન પાર્ટી પ્લોટથી સાઈદીપ સોસાયટીથી મહાદેવ મંદિર એરફોર્સની આંતરિક દીવાલને અડીને બનાવવામાં આવેલા કેટલાક શેડનો સફાયો દબાણ શાખા એ કર્યો છે. આવી જ રીતે મકરપુરા જીઆઇડીસીમાં વરસાદી કાસ પર નડતરરૂપ બનતા ઝૂંપડાનો પણ સફાયો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યુ વીઆઇપી રોડની સાઈદીપ સોસાયટીથી મિલન પાર્ટી પ્લોટ વિસ્તારના રોડ રસ્તે બનાવેલા અને મહાદેવ મંદિર એરફોર્સની આંતરિક દિવાલને અડીને પાંચેક જેટલા શેડ ગેરકાયદે બનાવવામાં આવ્યા છે. આ તમામ શેડ પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ કાફલાને સાથે રાખીને તોડી પાડ્યા હતા.
આવી જ રીતે શહેરના દક્ષિણ સીમાડે મકરપુરા જીઆઇડીસીમાં વરસાદી કાંસ આવેલી છે. કાસ ઉપર 10 જેટલા બનાવવામાં આવેલા ગેરકાયદે ઝુંપડા બનાવીને વસવાટ કરી રહ્યા છે. આ તમામ ગેરકાયદે ઝૂંપડા પણ દબાણ શાખાની ટીમે પોલીસ કાફલાને સાથે રાખીને તોડી પાડ્યા હતા.
આ ઉપરાંત ન્યુ વીઆઈપી રોડના એરપોર્ટ અને એરફોર્સની પેરી ફેરીના પ્રાણાયામ હોસ્પિટલની સામે એરપોર્ટની બાઉન્ડ્રીથી દૂર કરાયેલા હંગામી દબાણોનું પણ શનિવાર અને રવિવારે પાલિકાની દબાણ શાખાએ સફાયો કર્યો હતો.