સુરત પાલિકા-પોલીસની ચીમકી બાદ પણ ચૌટા બજારમાં જાહેર રસ્તા પરના દબાણ ઓછા થયા, દુકાન બહાર દબાણ યથાવત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરતના દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજારમાં દબાણ દુર કરવા માટે પાલિકા પોલીસના ઉચ્ચ વડા ગયા હતા. સુરતના મેયર અને પોલીસ કમિશ્નરે ચૌટાબજારના દુકાનદારોને દુકાન બહાર દબાણ ન કરાવવા માટે અપીલ કરી હતી. જો 15 દિવસમાં દબાણ દૂર ન થાય તો દુકાન સીલ કરવાની ચીમકી આપી હતી. આ ચીમકી આજે થોડી અસર જોવા મળી છે રસ્તા પર પાથરણા અને છાબડીવાળા ગાયબ જોવા મળ્યા છે. પરંતુ આ દબાણ કરનારાઓ હજી ચૌટા બજારમાં આંટા ફેરા મારી રહ્યાં છે. પાલિકા અને પોલીસ કાયમી આ દબાણ દુર કરવામાં આવે તો ચૌટાબજારના સ્થાનિકોને મોટી રાહત થશે.
સુરત પાલિકા અને સુરત પોલીસે શહેરના વર્ષો જુના લોકો માટે ન્યુસનસરૂપ થતા દબાણ હટાવવા માટે અભિયાન શરુ કર્યું છે. આ અભિયાનને વરાછા વિસ્તારમાં તો થોડી સફળતા મળી છે પરંતુ સેન્ટ્રલ ઝોનમાં પાલિકાની આ ઝુંબેશ સફળ થશે કે કેમ તે અંગે અનેક અટકળો થઈ રહી છે. સુરતના પહેલા નાગરિક એવા મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોતે દબાણ ગ્રસ્ત ચૌટા બજારનો રાઉન્ડ લીધો હતો. પોલીસ કમિશ્નર અને મયરે રસ્તા પર દબાણ ન કરવા માટે દુકાનદારોને વિનંતી કરી હતી. આ સાથે 15 દિવસનો સમય આપ્યો હતો અને ત્યારબાદ કાર્યવાહી કરવા ચીમકી આપી હતી.
જોકે, પાલિકા પોલીસ વડા સામે ડાહી ડાહી વાતો કરનારા દબાણ કરનારાઓએ પાલિકા-પોલીસની ટીમ ગઈ તેના ગણતરીના કલાકોમાં જ ફરી દબાણ કરી દઈ પાલિકા-પોલીસને પડકાર ફેંક્યો હતો. પરંતુ આજે સવારે ચૌટા બજારની સ્થિતિ સારી જોવા મળી રહી છે. આજે બપોર સુધી તો ચૌટા બજારમાં પારાવાર દબાણ કરનારા પાથરણાવાળા, લારી વાળાઓ અને છાબડી વાળા ગાયબ જોવા મળ્યા છે. પરંતુ આ સમય દરમિયાન માથા ભારે દબાણ કરનારાઓ ચૌટા બજારમાં આંટા ફેરા મારતા જોવા મળ્યા હતા તેથી સ્થિતિ જોઈ દબાણ કરવાની પેરવી કરતા હોવાની ચચા થઈ રહી છે. તો કેટલીક જગ્યાએ છાબડીવાળા દબાણ કરતા પણ નજરે પડ્યા હતા. આજે જે રીતે દબાણ દુર કરાયા છે અને હવે 15 દિવસ બાદ પાલિકા તંત્ર આક્રમક કામગીરી કરે તો આ વિસ્તારના સ્થાનિકોને મોટી રાહત થશે અને વર્ષો જુનું દુષણ દુર થતા ટ્રસ્ટની હોસ્પિટલમાં દર્દીઓની અવર જવર પણ સરળ બનશે.








