રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી

ગૌમાતાના નામે માત્ર વાતો, દાયકાં જૂના દબાણો અકબંધ
સૌથી વધુ લોધિકા તાલુકાના બે ગામોમાં 25.09 હેક્ટર ગૌચર જમીનમાં અધધ 385 લોકોનો અડિંગો, એકમાત્ર વિંછીયા તાલુકો દબાણવિહોણો
રાજકોટ જિલ્લામાં તાજેતરના આંકડાં જોઈએ તો એકમાત્ર વિંછીયા તાલુકાને બાદ કરતા અન્ય તમામ ૧૦ તાલુકાઓમાં કુલ ૧૧૫.૪૮ હેક્ટર ગૌચર જમીન પર અધધ ૫૧૦ જેટલા દબાણો યથાવત છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, આ માત્ર તાત્કાલિક દબાણ નથી, પરંતુ વર્ષોથી પેશકદમીનો શિકાર બનેલી ગૌચરની જમીન છે. જેથી સ્પષ્ટ થાય છે કે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત છે. તાલુકાવાર સ્થિતિ જોઈએ તો, સૌથી વધુ લોધિકા તાલુકાના બે ગામોમાં ૨૫.૦૯ હેક્ટર ગૌચર જમીનમાં અધધ ૩૮૫ લોકોએ પેશકદમી કરી છે. અન્ય મુખ્ય દબાણ ધરાવતા વિસ્તારોમાં જેતપુર (૭.૫૬ હેક્ટર), ધોરાજી (૩૧.૩૨ હેક્ટર) અને જામકંડોરણા (૩૫.૭૬ હેક્ટર)નો સમાવેશ થાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આટલા મોટા દબાણો હોવા છતાં ડિમોલિશન કામગીરી સાવ નહીવત રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી હોવાથી મતોના રાજકારણને કારણે ત્રણ મહિનાથી તો જવાબદાર તંત્રવાહકો કે નેતાઓએ ગૌચરના દબાણો તરફ નજર પણ કરી નથી.
સરકાર સબસીડી કે સહાય આપીને ગામડાં, ખેતી અને પશુપાલન ક્ષેત્રના વિકાસની વાતો કરે છે, પણ તેના આધારસ્તંભ ગણાતા પશુધન માટેનું ઘાસચારાનું મેદાન એટલે કે ગૌચર ખુલ્લું કરાવવામાં તંત્રની ઉદાસીનતા ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પશુપાલકો અને ગૌસેવકોની નજર હવે સ્થાનિક સ્વરાજ્યના નવા વહીવટી તંત્રની આગામી નક્કર કાર્યવાહી પર છે.
- નવા શાસકો સામે ગૌચરનો સળગતો મુદ્દો અગ્નિપરીક્ષા
રાજકોટ જિલ્લા પંચાયતમાં પાંચ વર્ષ માટે નવા સૂત્રધારોએ સત્તાની ધુરા સંભાળી છે. સત્તા સંભાળતાની સાથે જ તેમને પશુપાલકો તરફથી ગૌચર જમીન ખુલ્લી કરાવવા માટેની ફરિયાદોનો મારો શરૂ થઈ ગયો છે. પશુપાલકોની આશા હવે નવા શાસકો પર ટકેલી છે. નવા પદાધિકારીઓ આ દાયકાઓ જૂના દબાણોને દૂર કરાવશે કે પછી ગૌચરની હકીકત ફાઈલોમાં જ દબાયેલી રહેશે, એ તો આવનાર સમય જ બતાવશે.
|
રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં ગૌચર
દબાણની સ્થિતિ |
||||
|
તાલુકો |
કુલ ગૌચર(હે.) |
દબાણગ્રસ્ત ગામો |
દબાણકારો |
દબાણ (હે.) |
|
રાજકોટ |
૭૫૫૬.૭૩ |
૩ |
૫ |
૦.૧૧ |
|
જસદણ |
૫૮૮૪.૯૪ |
૩ |
૨૯ |
૬૮.૪૪ |
|
વિંછીયા |
૪૦૯૬.૦૭ |
૦ |
૦ |
૦ |
|
કો.સાંગાણી |
૩૩૦૧.૦૨ |
૨ |
૨ |
૦.૪૨ |
|
લોધીકા |
૨૯૧૪.૧૧ |
૨ |
૩૮૫ |
૨૫.૦૯ |
|
ગોંડલ |
૭૮૪૬.૫૭ |
૨ |
૨ |
૦.૪૬ |
|
જેતપુર |
૪૫૩૮.૬૧ |
૨ |
૪૭ |
૭.૬૫ |
|
ધોરાજી |
૩૬૪૩.૪૪ |
૧ |
૨૨ |
૩૧.૩૨ |
|
ઉપલેટા |
૭૨૯૨.૫૩ |
૨ |
૨ |
૬.૫૧ |
|
જામકંડોરણા |
૩૦૮૪.૯૩ |
૨ |
૧૧ |
૩૫.૭૬ |
|
પડધરી |
૪૨૫૨.૧૫ |
૪ |
૫ |
૭.૫૩ |
|
કુલ |
૫૪૪૧૧.૧૫ |
૨૩ |
૫૧૦ |
૧૧૫.૪૮ |








