વડોદરામાં ખંડેરાવ માર્કેટથી કીર્તિ સ્તંભ થઈને કાલાઘોડા સુધીના હંગામી દબાણોનો સફાયો : ગણતરીની મિનિટોમાં ગોઠવાઈ ગયા
image : File image
Vadodara : વાહન વ્યવહાર અને ટ્રાફિકથી ધમધમતા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં દિવસ રાત સતત ગેરકાયદે હંગામી દબાણોનો રાફડો રહે છે. માથાના દુખાવા રૂપ બનેલા આ દબાણો દબાણ શાખા દ્વારા હટાવાયાની ગણતરીની મિનિટોમાં જ દબાણો યથાવત થઈ જાય છે. દબાણ શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા આસપાસના હંગામી દબાણો સહિત કીર્તિ સ્તંભથી કમાટીબાગ કાલાઘોડા સુધીના રોડ રસ્તા અને બંને બાજુ અને વાહન વ્યવહારને અડચણરૂપ લારી ગલ્લા તંબુઓ હટાવીને રસ્તા ખુલ્લા કર્યા હતા.
પાલિકાની દબાણ શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા આસપાસના ફ્રુટની લારીઓ, ગલ્લા અને પથારાના દબાણો તથા આસપાસના ગેરકાયદે હંગામી દબાણોનો સફાયો કર્યો હતો. માર્કેટથી કીર્તિ સ્તંભ સુધીના રોડ રસ્તાની બંને બાજુએ ટ્રાફિકને અડચણરૂપ આવા જ હંગામી દબાણો છેક કાલાઘોડા કમાટીબાગ સુધી રોડ રસ્તામાં ટ્રાફિકને નડતરરૂપ લારી ગલ્લા સહિત શેરડીના રસના કોલા અને કેરીના તંબુઓના હંગામી દબાણનો સફાયો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની દબાણ શાખાની ટીમે કરેલી આ કાર્યવાહીની ગણતરીની મિનિટોમાં જ પુન: દબાણો યથા સ્થાને ગોઠવાઈ જાય છે. જેથી પાલિકા તંત્ર દ્વારા દબાણ શાખાએ કરેલી આ કામગીરી ફારસ રૂપ બની જાય છે.
જોકે પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા સોમવારે મદનઝાપા રોડના દૂધવાળા મહોલ્લા સહિત આસપાસના વિસ્તારના પણ હંગામી દબાણ હટાવવાની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી. જોકે દૂધવાળા મહોલ્લામાં ગેરકાયદે દબાણોને કારણે ટુ વ્હીલર પણ પસાર થઈ શકે તેવી સ્થિતિ દિવસ પર રહેતી નથી.