Gujarat

નડિયાદ મનપામાં આઉટસોર્સિંગમાં ધકેલવા મામલે કર્મચારીઓની કોર્ટમાં જવાની તૈયારી

By GS TEAM
20 Jun 20252 mins read
નડિયાદ મનપામાં આઉટસોર્સિંગમાં ધકેલવા મામલે કર્મચારીઓની કોર્ટમાં જવાની તૈયારી

કર્મચારીઓએ કમિશનર, સંબંધિત અધિકારીઓને નોટિસ મોકલી

કરાર આધારિત, ફિક્સ પગાર અને વારસદાર ફિક્સથી ભરતી થયેલા કર્મચારીઓને એજન્સીમાં સમાવવાનો વિવાદ

નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાની રચના થયા બાદ જૂન મહિનાની શરૂઆતમાં વિવાદ ઊભો થયો છે. વર્ષોથી નગરપાલિકામાં કરાર આધારિત, ફિક્સ પગાર અને વારસદાર ફિક્સ જેવી પદ્ધતિઓથી ભરતી કરાયેલા કર્મચારીઓને અલ્ટ્રા મોર્ડન એજન્સીમાં ફોર્મ ભરીને આઉટસોસગના માધ્યમથી મહાનગરપાલિકામાં નોકરી કરવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું. આ મામલે કર્મચારીઓએ મનપા કમિશનર, જવાબદાર અધિકારીઓને નોટિસ આપવા સાથે કોર્ટમાં રજૂઆત કરવાની તૈયારી શરૂ કરી છે.

નડિયાદ મનપામાં કરાર આધારિત સફાઈ કામદારોએ આ આદેશના વિરોધમાં આંદોલન છેડયું હતું. જોકે, મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈક રીતે આ આંદોલનને સમેટાવવામાં સફળ રહ્યા હતા. છતાં, કચેરીમાં ફરજ બજાવતા અનેક એવા કર્મચારીઓ છે, જેમના કેસ વિવિધ કોર્ટોમાં પેન્ડિંગ છે. આ કર્મચારીઓને આઉટસોસગ એજન્સી દ્વારા નોકરીમાં રહેવા માટે સ્પષ્ટ આદેશ આપી દેવાયો હતો, જેનાથી નવો વિવાદ સર્જાયો છે. આ નિર્ણયના વિરોધમાં, સંખ્યાબંધ કર્મચારીઓએ પોતાના વકીલો મારફતે મહાનગરપાલિકા કમિશનર અને અન્ય જવાબદાર અધિકારીઓને કાયદાકીય નોટિસ ફટકારી છે. આ કર્મચારીઓના કોર્ટમાં પેન્ડિંગ કેસમાં, તેઓ વર્ષોથી ફરજ બજાવતા હોવાથી તેમને કાયમી કરવા અને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવાની માંગણીઓ સામેલ છે. આવા સમયે, તેમને આ પ્રકારે એજન્સી મારફતે કામ ન કરે ત્યાં સુધી કામગીરીથી દૂર રહેવાનો આદેશ કરતા વિવાદ વધુ વકર્યો છે. આ ઘટનાથી નડિયાદ મહાનગરપાલિકા અને તેના કર્મચારીઓ વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ છે. 

બીજીતરફ કર્મચારીઓનું કહેવું છે કે, કોર્ટમાં કેસ પડતર હોવા છતાં સરકારી અધિકારીઓ તેમની મરજી મુજબ કોર્ટના કેસની જાણ હોવા છતાં તેની વિરુદ્ધના નિર્ણયો લઈ રહ્યા છે, જે કોર્ટની અવમાનના છે. જેથી આ બાબતે કોર્ટમાં પણ રજૂઆત કરવાની તૈયારી કર્મચારીઓએ કરી લીધી છે.