- બોરસદ શહેરની અશ્મી હોસ્પિટલમાં
- સગાસંબંધી મારફતે સમાધાન કરી ચોરીના રૂપિયા 25 લાખ જમા કરાવવા માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં આવેલી અશ્મિ હોસ્પિટલમાં ડૉક્ટરો વિરુદ્ધ કર્મચારીઓને ગોંધી રાખી, માર મારી અને બળજબરીથી ચેક લખાવી લેવા અંગેની ગંભીર ફરિયાદ બોરસદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જે મામલે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બોરસદના ભાદરણીયા ગામના વતની અને બોરસદની અશ્મિ ફાર્મસીમાં કામ કરતા ચેતનકુમાર રમેશભાઇ ડાભી (ઉં.વ.૨૧) દ્વારા બોરસદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૩૧-૦૭-૨૦૨૫ના રોજ રાત્રે ચેતનકુમારને ઇમરજન્સી પેશન્ટના બહાને હોસ્પિટલ બોલાવવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડૉ. જયપાલસિંહ મહીડા, ડૉ. મેહુલ શાહ, ડૉ. અવધેશ, ડૉ. અજુરદ્દીન અને રણજીતસિંહ મહીડાએ ફરિયાદી તથા અન્ય કર્મચારી ઉપર ફાર્મસી મેડિકલ સ્ટોરમાંથી ચોરી કર્યાનો આક્ષેપ મૂક્યો હતો. આક્ષેપ સાથે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને પ્લાસ્ટિકના ડંડા તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો અને મારના ડરે તેમની પાસેથી ચોરીની કબૂલાત કરાવતી વિડીયોગ્રાફી પણ ઉતારવામાં આવી હતી. તેમજ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક સહી કરેલો ચેક પણ લખાવી લીધો હતો. આ ઘટના બાદ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવાયા હતા અને સગાસંબંધી મારફતે સમાધાન કરી રૂપિયા ૨૫ લાખ ચોરીના જમા કરાવવા માટે સતત દબાણ અને ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, અને પોલીસ ફરિયાદ પણ આપી હતી. આખરે આ મામલે ૨૭-૧૨-૨૦૨૫ ના રોજ બોરસદ સિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ
(૧) ડૉ. જયપાલસિંહ મહીડા, (૨) ડૉ. મેહુલભાઈ શાહ અને (૩) રણજીતસિંહ મહીડા (ત્રણેય રહે. બોરસદ)


