Gujarat

કુડાસણના જ્વેલરી શોરૃમમાં કર્મચારીએ રૃા.પાંચ લાખના દાગીના ચોરી લીધા

By GS TEAM
30 Mar 20261 min read
કુડાસણના જ્વેલરી શોરૃમમાં કર્મચારીએ  રૃા.પાંચ લાખના દાગીના ચોરી લીધા

માસિક ઓડિટ દરમિયાન ભાંડો ફૂટયો

સીનિયર ફેશન કન્સલટન્ટના રૃમમાંથી રૃા.૬૧ હજારના દાગીના મળી આવ્યા

ગાંધીનગર :  ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલ એક જાણીતા જ્વેલરી શોરૃમમાં વિશ્વાસઘાત અને ચોરીની ઘટના સામે આવી છે. શોરૃમમાં જ સીનિયર ફેશન કન્સલટન્ટ તરીકે કામ કરતા કર્મચારીએ અંદાજે ૫ લાખથી વધુની કિંમતના સોનાના દાગીના અને સિક્કાઓની ચોરી કરી હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાઈ છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના કુડાસણના પ્રમુખ એવન્યુ કોમ્પલેક્ષમાં આવેલા જીવા સિલ્વર એન્ડ ગોલ્ડ ડાયમન્ડ ઝવેલરીમાં ગત ૨૬ માર્ચના રોજ જ્યારે માસિક ઓડિટ કરવામાં આવ્યું હતું ત્યારે સ્ટોક ઓછો હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ૧૮ ફેબુ્રઆરીથી ૨૬ માર્ચ વચ્ચે શોરૃમમાંથી વિવિધ દાગીના ગાયબ હતા.

શંકાના આધારે જ્યારે શોરૃમના એરિયા મેનેજર અને સ્ટોર મેનેજરે ત્યાં જ નોકરી કરતા સીનિયર ફેશન કન્સલટન્ટ અભિકુમાર અશોકકુમાર પ્રજાપતિના પીજી રૃમ ૫૧૨/ધ બેચલર સ્પેસ પીજીમાં તપાસ કરી હતી ત્યારે તેના થેલામાંથી ચોરી કરેલા કેટલાક દાગીના મળી આવ્યા હતા. તેના રૃમમાંથી ૩૧ હજારની કિંમતની સોનાની કાનની બુટ્ટી અને ૩૩ હજારની કિંમતનું પેન્ડલ મળી આવ્યું હતું. જેના પગલે સ્ટોર મેનેજર સુનીલ દિલીપભાઈ મોચી દ્વારા ૫.૦૪ લાખ રૃપિયાના દાગીના ચોરવા બદલ સીનિયર ફેશન કન્સલટન્ટ અભિકુમાર અશોકકુમાર પ્રજાપતિ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે જેના આધારે પોલીસે હાલ વધુ તપાસ શરૃ કરી છે.