બોઇલરનું ઢાંકણું અંદર જ પડતા ગરમ પાણીથી દાઝેલા કર્મચારીનું મોત

વડોદરા,સનફાર્મા કંપનીમાં બોઇલરની સર્વિસ દરમિયાન દોરડું છટકતા બોઇલરનું ઢાંકણું અંદર પડતા ગરમ પાણીના છાંટા ઉડતા ચાર કર્મચારીઓ દાઝી ગયા હતા. જે પૈકી એકનું બે મહિનાની સારવાર દરમિયાન મોત થયું છે.
મકરપુરા જી.આઇ.ડી.સી. ભૂમિ ચોકડી પાસે આવેલી સનફાર્મા એડવાન્સ એન્ડ રિસર્ચ કંપનીમાં વિનુભાઇ રાયસીંગભાઇ પરમાર, ઉં.વ.૫૦ (રહે. દાજીપુરા ગામ, સિંઘરોટ, વડોદરા) છેેલ્લા ત્રણ વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. ગત ૧૧ મી ઓગસ્ટે સવારે ૮ વાગ્યે પાણી ગરમ કરવાના બોઇલરમાં વાર્ષિક સર્વિસનું કામ કરવા વિનુભાઇ તથા અન્ય ત્રણ વ્યક્તિઓ ગયા હતા. બોઇલરનું ઢાંંકણું દોરડાથી બાંધી તેઓ ખોલતા હતા. તે દરમિયાન દોરડું છટકી જતા બોઇલરનું ઢાંકણું બોઇલરની અંદર પડતા અંદરના ગરમ પાણીના છાંટા વિનુભાઇ પર પડતા તેઓ પેટ, કપાળ, હાથ અને પગ પર સખત રીતે દાઝી ગયા હતા. જ્યારે અન્ય વ્યક્તિઓ સામાન્ય દાઝી ગયા હતા. વિનુભાઇનું આજે સવારે સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. વિનુભાઇની તબિયત સુધારા પર હતી. પરંતુ, અચાનક મોત થતા પોલીસે ડોક્ટરને પૂછતા એવી માહિતી મળી હતી કે, વિનુભાઇને બ્રેન હેમરેજ થયું હોઇ શકે. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે પી.એમ. કરાવ્યું છે.








