તારો કાકો દાદો થઇને ફરે છે કહી સગીરને ચાકુના ઘા માર્યા

અમદાવાદ, સોમવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો ધાક જમાવવા માટે નિર્દોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. અમરાઇવાડીમાં બે સગીર ભાઇઓ નાસ્તો કરવા માટે ગયા હતા જ્યાં બે આરોપીએ કેમ તારો કાકો દાદો થઇને ફરે છે કહીને ગાળો બોલીને માર મારી ચાકુથી હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં સગીરને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યોે હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમરાઇવાડીમાં નાસ્તો કરવા ગયેલા સગીર પર ઘાતક હુમલો ઃ અમરાઇવાડી પોલીસ બે લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
અમરાઇવાડી વિસ્તારમાં રહેતી વિધવા મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ભીલવાસ ખાતે બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૮ ના રોજ તેમનો સગીર પુત્ર અને દિયરનો સગીર દિકરો નાસ્તો કરવા ગયા હતા. પડોશી સાથે ઘરે આવ્યા ત્યારે સગીર પુત્રને લોહી નીકળતું હોવાથી માતાએ પૂછતા બંને વિવેકાનંદ સ્કૂલ પાસે ગયા હતા.
આ સમયે આરોપીએ કેમ તારો કાકો દાદો થઇને ફરે છે તેને સમજાવી દેજે કહીને ગાળો બોલીને માર માર્યો હતો. અને ઉશ્કેરાઇને પેટ અને સાથળમાં ચાકુના ઘા મારતાં સગીર લોહી લુહાણ થઇ ગયો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો આવી જતા આરોપીઓ મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા.









