ઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત
હિટ એન્ડ રનમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો
મધરાતે બીઆરટીએસમાં અકસ્માત
અમદાવાદ, મંગળવાર
ઇસનપુરમાં મધરાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં શ્રમજીવી પરિવારના સભ્યો દિવાળી પર્વ નિમિત્તે ફૂટપાથ ઉપર આસોપાલવના તોરણ વેચતા હતા. દરમિયાન મધરાતે બીઆરટીએસ રુટમાં પૂર ઝડપે આવી રહેલી કારના ડ્રાઇવરે ટકકર મારતા યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચંડોળામાં છાપરા હટાવવા ફૂટપાથ ઉપર રહી તોરણ વેચાતા હતા ઃ મધરાતે બીઆરટીએસમાં અકસ્માત
ઇસનપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખૂલ્લા પ્લોટ પાસે ફૂટપાથ ઉપર રહેતા સંજયભાઇ(ઉ.વ.૨૭)એ ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે દિવાળીના દિવસે પરિવારજનો આસોપાલવના તોરણના તથા હાર બનાવીને વેચતા હતા.
પરિવારના સભ્યો રાતે ફૂટપાથ પર સૂતા હતા દરમિયાન અચાનક રાતે બે વાગે બીઆરટીએસ ટ્રેકમાં અકસ્માત થવાનો અવાજ આવતા તમામ લોકોએ ઉઠીને જોયું તો તેમનો નાનો ભાઇ લોહી લુહાણ હાલતમાં પડયો હતો. સારવાર માટે લઇ જવાયા બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. અકસ્માત બાદ વાહન લઇને ડ્રાઇવર ભાગી ગયો હતો.

