ખોખરામાં આડેધડ છરીના ઘા મારતા યુવકનું મોત
પુત્રનો જન્મ થતાં યુવક રાતે હોસ્પિટલે રોકાવાનો હતો,બહાર જતાં હુમલો
અમદાવાદ,બુધવાર
ખોખરામાં રહેતા યુવકને વાહન લે-વેચના ધંધામાં મન દુખ ચાલતું હતું. યુવકની પત્નીને પુત્રનો જન્મ થતાં યુવક હોસ્પિટલે રાતે રોકાવા માટે ગયો હતો થોડી વાર માટે બહાર જતાં ત્રણ શખ્સો ઘાતક હથિયારો સાથે આવ્યા હતા અને કારનો કાચ તોડીને યુવકને નીચે ઉતાર્યા બાદ શરીરે આડેધડ છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરીને લોહી લુહાણ કર્યા બાદ લાકડીના ફટકા મારીને ઢોર માર માર્યો હતો. હાલમાં ગંભીર હાલતમાં યુવક એલ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું આઇ ડિવિઝન એસીપી, કુનાલ દેસાઇએ જણાવ્યું હતું. આ બનાવ અંગે ખોખરા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મિત્રો સાથે વાહન લે-વેચના ધંધામાં મન દુખ ઃ કારનો કાચ તોડી નીચે ઉતારી યુવકના પેટ, બે જાંગે છરીના ઘા મારતા લોહી લુહાણ, દંડાથી ઢોર માર મારતાં મોત
વસ્ત્રાલ ગામમાં યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ખોખરામાં રહેતા હાર્દિક તથા વસ્ત્રાલમાં રહેતા નિખિલ અને વસ્ત્રાલમાં રહેતા સાગર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના નાના ભાઇ વાહન લે-વેચનો વ્યવસાય કરે છે અને અગાઉ આરોપીઓ સાથે વ્યવસાય કરતા હતા ઘણા સમયથી ધંધાના કારણે મનદુખ ચાલતું હતું.
ગઇકાલે ફરિયાદીના ભાઇની પત્નીને ખોખરા ખાતેની સંજીવની હોસ્પિટલમાં દાખલ કરી હતી અને પુત્રનો જન્મ થયો હતો. ગઇકાલે રાતે ૯.૩૦ વાગે ફરિયાદીનો ભાઇ હોસ્પિટલ બહાર ગયો હતો અને થોડીવારમાં બુમાબુમ થતાં ફરિયાદી ત્યાં ગયા હતા અને જોયું તો આરોપીઓ કારનો કાચ તોડીને યુવકને નીચે ઉતાર્યા બાદ શરીરે આડેધડ છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરીને લોહી લુહાણ કર્યા બાદ લાકડીના ફટકા મારીને ઢોર માર માર્યો હતો. ફરિયાદીએ વચ્ચે પડીને છોડાવતા ભાઇ વધુ મારથી બચી ગયા હતા. પેટ સહીત શરીરે ગંભીર ઇજાઓ થતાં એલ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ ઘટના અંગે ખોખરા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે