Gujarat

સગીરની કાર નીચે આવેલી ત્રણ વર્ષની બાળકી બચી

By GS TEAM
29 Oct 20251 min read
સગીરની કાર નીચે આવેલી ત્રણ વર્ષની બાળકી બચી

અમદાવાદ, બુધવાર

નોબલનગરમાં સગીરે કાર ચલાવતા ઘર પાસે રમી રહેલી ત્રણ વર્ષની બાળકી કાર નીચે આવી ગઇ હતી. જાતે જ કારના પાછળના ભાગેથી બહાર નીકળેલી બાળકીને બન્ને હાથ-પગે અને કમરે ઇજા થઇ હતી. સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે સગીર સામે ગુનો નોંધી તેની અટકાયત કરી અને કાર ચલાવવા આપનાર સામે પણ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

નોબલનગરમાં કાર પાછળથી જાતે બહાર આવી બન્ને હાથે-પગે, કમરે ઇજા ઃ ટ્રાફિક પોલીસે સગીર સામે ગુનો નોંધ્યો

નોબલનગરમાં રહેતા યુવકે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નરોડામાં રહેતા સગીર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે તેમની ત્રણ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે એક સગીર કાર ચલાવીને આવ્યો હતો અને સોસાયટીમાં વળાંક લેતી વખતે બાળકી પર કાર ચઢાવી દીધી હતી જો કે કાર પાછળથી જાતે બહાર આવતા બાળકીનો ચમત્કારી બચાવ થયો હતો.

બાળકી ઉપર ગાડી ચઢતાં આસપાસના લોકોએ બુમાબુમ કરતાં સગીરે કાર ઉભી રાખી હતી. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સગીરની અટકાયત કરીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.