નશામાં ધૂત કાર ડ્રાઇવરે મહિલાની કારને ટક્કર મારી

અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં મોડીરાતે દારુ પીને પૂરઝડપે વાહન ચલાવીને અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ગઇકાલે મોડી રાતે શ્યામલ ચાર રસ્તા પાસે નશામાં ઘૂત યુવકે વાહન ચલાવીને લાવીને મહિલાની કારને ટકકર મારી હતી. બેકાબુ કાર અકસ્માત બાદ ડિવાઇડર સાથે અથડાઇને રોકાઇ ગઇ હતી. જો કે સદ્નસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શ્યામલ ચાર રસ્તા પાસે બેકાબુ કાર અકસ્માત બાદ ડિવાઇડર સાથે ભટકાઇ ઃ ઘટના સીસીટીવીમાં કેદ
આનંદનગરમાં રહેતા આધેડે ટ્રાફિક એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોલામાં રહેતા કાર ચાલક યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ફરિયાદીના પત્ની એરપોર્ટથી કાર લઇને ઘરે આવી રહ્યા હતા. આ સમયે ૨.૩૦ વાગે શ્યામલ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા.
આ સમયે જીવરાજ બ્રિજ તરફથી આરોપી પૂર ઝડપે કાર હંકારીને આવી રહ્યો હતો દારુના નશામાં હોવાથી કારના સ્ટિયરીંગનો કાબુ ગુમાવી બેસતા મહિલાની કારને ટક્કર મારી હતી બાદમાં ડિવાઇર સાથે અથડાઇને કાર રોકાઇ હતી. અકસ્માત સર્જાયા બાદ કારમાં બેઠેલી બે વ્યક્તિ ઉતરીને જતી રહી હતી. બીજીતરફ ટ્રાફિક પોલીસે આવીને તપાસ કરતાં કાર ચલાવનાર ડ્રાઇવર દારુ પીધેલી હાલતમાં હતો. પોલીસે તેની ધરપકડ કરીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.








