Gujarat

ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સગીર વિદ્યાથીની આંખમાં પરિકર માર્યું

By GS TEAM
21 Apr 20262 mins read
ઇસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સગીર વિદ્યાથીની આંખમાં પરિકર માર્યું

અમદાવાદ, મંગળવાર

સોશિયલ મિડિયાના વધતા જતા ઉપયોગના કારણે બાળકોમાં ઝનૂની વૃત્તિ વધવાના કારણે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારા મારીની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ બીજી અનેક સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના સામે આવી રહી છે. નારોલમાં ઇસનપુર પબ્લિક સ્કુલમાં ધોરણ-૮ના બે વિધાર્થીઓ વચ્ચે પરિક્ષાના પેપર સબમિટ કરવા બાબતે ઝઘડો ચાલતો હતો. જેથી વિધાર્થીએ વચ્ચે પડીને છોડાવવા જતા સીગર વિદ્યાર્થીએ તેને આંખમાં પરીકર મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ છે.

પેપર સબમિટ કરવા બાબતે બે વિધાર્થીઓ વચ્ચે તકરાર ઃ છોડાવવા વચ્ચે પડતાં સગીર પર હુમલો લોહી લુહાણ  હાલતમાં સારવાર હેઠળ

વટવામાં રહેતા અને યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં ૧૪ વર્ષના સગીર વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો ૧૪ વર્ષનો સગીર પુત્ર વટવા ગેબનશાહ પાસે આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ઘોરણ-૮માં અભ્યાસ કરે છે. ગઇકાલે  સવારે ૧૧ વાગ્યે સ્કૂલમાં પોતાના ક્લાસમાં હાજર હતો. જ્યારે સ્કૂલમાં વાષક પરિક્ષાનું સામાજીક વિજ્ઞાાનનું પેપર હોવાથી પરીક્ષાનો સમય થતા સગીર તેના મિત્રને બોલાવવા બાજુના ક્લાસમાં ગયો હતો. 

જ્યાં તેનો મિત્ર અન્ય ઘોરણ-૮માં ભણતા વિદ્યાર્થી સાથે પેપર સબમિટ કરવા બાબતને તકરાર કરતો હતો. જેથી ફરિયાદીનો સગીર પુત્ર વચ્ચે પડીને બંન્નેને છોડાવવા જતા સગીર વિદ્યાર્થીએ ઉશ્કેરાઇને સગીર વિધાર્થીને આંખમાં પરિકર મારતાં લોહી લુહાણ થયો હતો. વિધાર્થીના વાલીને જાણ કરતા તેના માતા-પિતા દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વિધાર્થીને નજીકના અર્બન હેલ્થ સેન્ટર બાદ એલ.જી.હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સગીરને આંખમાં સ્પષ્ટ દેખાતું ન હતું અને ઓપરેશન કરવું પડશે.