કાંકરિયા પાસે કારની ટક્કરથી વૃદ્ધનું સ્થળ ઉપર કરુણ મોત

અમદાવાદ, શુક્રવાર
પૂર્વ વિસ્તામાં બેફામ વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા વાહન અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. જેમાં કાંકરિયા પાસે પૂર ઝડપે આવી રહેલી કારની ટક્કરથી એક્ટિવા પર જઇ રહેલા વૃદ્ધનું સ્થળ ઉપર મોત થયું હતું, અક્સ્માત કરીને વાહન લઇને ડ્રાઇવર ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
કારની ટક્કરથી માથામાં ગંભીર ઇજા થતાં લોહીના ખાબોચિયામાં તરફડીયા મારી વૃદ્ધ મોતને ભેટયા ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી
ગાંધીરોડ પર પોળમાં રહેતા અને ન્યું ક્લોથ માર્કેટમાં દુકાનમાં નોકરી કરતા વૃદ્ધ ગઇકાલે સાંજેના સમયે દુકાનના કામે એકિટવા લઇને કાંકરિયા પાસે મનસુરી કબ્રસ્તાન પાસેથી ન્યું ક્લોથ માર્કેટ તરફ જતા હતા. આ સમયે પૂર ઝડપે આવી અજાણ્યા કારના ડ્રાઇવરે તેમના વાહનને ટક્કર મારતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા જેથી માથામાં ગંભીર ઇજાઓ થતાં લોહી નીકળવા લાગ્યું હતું જેના કારણે સ્થળ ઉપર જ મોત થયું હતું.
આ બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા બીજીતરફ અકસ્માત કરીને કાર લઇને ડ્રાઇવર ભાગી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે અક્સ્માતમાં મોતનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે કાર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરી છે.









