બનેવી પર ચાકુથી હુમલો, લગ્નના વરઘોડામાં દોડધામ

અમદાવાદ, સોમવાર
અસારવા તળાવ પાસે ગઇકાલે રાતે લગ્નના વરઘોડામાં મારા મારી બાદ બાપુનગરના યુવક ઉપર ચાકુથી હુમલો કરાતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં યુવકે ત્રણ મહિના પહેલા કૃષ્ણનગરની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેની અદાવત રાખીને મહિલાના માસીના દિકરાએ સાથે તકરાર કરી હતી અને મારી બહેનને ભગાડીને કેમ લગ્ન કર્યા હતા જેમ કહીને ચાકુના ઘા મારતા લોહી લુહાણ હાલતમાં યુવક સારવાર હેઠળ છે. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમલગ્નની દાઝમાં ઘાતક હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં યુવક સારવાર હેઠળ ઃ શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
બાપુનગરમાં રહેતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અસારવામાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મોડી રાતે મિત્રના લગ્ન હોવાથી અસારવામાં ખાતે લગ્નના વરઘોડામાં તે પોતાની ફોઇના દિકરા સાથે હાજર હતો આ સમયે યુવકની પત્નીના માસીના આરોપી દિકરાએ આવીને તકરાર કરીને મારી માસીના દિકરીને ભગાડીને કેમ લગ્ન કર્યા હતા કહીને ચાકુના ઘા મારતાં યુવક લોહી લુહાણ થઇ ગયો હતો.
આ સમયે લગ્નના વરઘોડામાં દોડધામ મચી જવા પામી હતી. શાહીબાગ પોલીસે ગુનો નોંધીને તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં યુવકે ત્રણ મહિના પહેલા કૃષ્ણનગર ખાતે રહેતી મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેની દાધ રાખીને આ ઘટના બની હતી.








