દાણીલીમડામાં બાંકડા ઉપર બેઠેલા આઘેડને ટ્રક ચાલકે ટક્કર મારતા મોત
સતત ટ્રાફિકથી ધમધમતા દાણીલીમડામાં અકસ્માતની વણઝાર સર્જી
બે કાર, એક એક્ટિવા અને થાંભલાને પણ ટક્કર મારી
અમદાવાદ, મંગળવાર
દાણીલીમડામાં પૂર ઝડપે આવી રહલી ટ્રકના ચાલકે પી.ડબલ્યુ.ડીના ઢાળ પાસે બાંકડા ઉપર બેઠેલા આઘેડને ટક્કર મારતા સ્થળ ઉપપ મોત થયું હતું. અકસ્માત કરી જીવ બચાવીને ભાગવા જતા બે કાર અને એક એક્ટિવાને તેમજ થાંભલાને પણ ટક્કર મારી હતી. આ બનાવ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. પૂછપરછમાં વરસાદ પડતા દેખાતું ન હોવાથી સાઇડમાં લેવા જતા અકસ્માત થયો હતો.
જીવ બચાવી ભાગવા જતા બે કાર, એક એક્ટિવા અને થાંભલાને પણ ટક્કર મારી ઃ ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી
દાણીલીમડામાં રહેતા યુવકે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા તા. ૩૦ના રોજ ફરિયાદીના પિતા દાણીલીમડા સિટીઝન કાંટાની સામે પી.ડબલ્યુ.ડીના ઢાળ પાસે બાંકડા પર બેઠા હતા. આ સમયે પૂરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાંકડા પર બેઠેલા ફરિયાદીના પિતાને ટક્કર મારતા તેઓને માથા તથા મોઢે પેટ સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા સ્થળે જ મોત થયું હતું
અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ભાગવા જતા આગળ બે કાર અને એક એક્ટિવાને તેમજ બીઆરટીએસ બસ સ્ટેન્ડના થાંભલાને પણ ટક્કર મારી હતી. જેથી અકસ્માતને પગલે આસપાસના લોકોએ ટ્રક ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક નારોલમાં રહેતા અવધેશકુમાર સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી છે. પૂછપરછમાં વરસાદ હોવાથી દેખાતું ન હતું જેથી ટ્રક સાઇડમાં લેવા જતા અકસ્માત થયો અને લોકો ભેગા થઇ જતા માર મારશે તેવા ડરથી ભાગવા જતા બીજો અકસ્માત થયો હતો.