Get The App

અમદાવાદ : મેઘાણીનગરમાં ખૂની ખેલ, બે સગીરોએ યુવકને ચપ્પુના 8 ઘા ઝીકી કરી હત્યા

મૃતક યુવકના મિત્ર સાથે આરોપી સગીરોને પ્રેમ પ્રકરણ બાબતે છ મહિના પહેલા તકરાર થઈ હતી

ગંભીર ઈજાઓ થવાના કારણે અને વધુ પડતું લોહી વહી જવાને લીધે યુવકનું ઘટનાસ્થળે જ મોત

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ : મેઘાણીનગરમાં ખૂની ખેલ, બે સગીરોએ યુવકને ચપ્પુના 8 ઘા ઝીકી કરી હત્યા 1 - image


Meghaninagar Murder : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુલમર્ગ સોસાયટી પાસે એક યુવકની જાહેરમાં ચપ્પુના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગુનો આચરનાર બે સગીરોની અટકાયત કરી લીધી છે.

જૂની તકરાર અને ગાળો બોલવાની અદાવતમાં હત્યા

પોલીસ તપાસ અને ઇન્ચાર્જ પીઆઇ જે. એચ. સિંધવના જણાવ્યા મુજબ, મૃતક યુવકના મિત્ર સાથે આરોપી સગીરોને પ્રેમ પ્રકરણ બાબતે છ મહિના પહેલા તકરાર થઈ હતી, જે તે સમયે સમાધાન થઈ ગયું હતું. જોકે, ગઈકાલે ફરી આ મુદ્દે મૃતકની હાજરીમાં તેના મિત્ર અને આરોપી સગીરો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં મૃતક યુવકે ગાળો બોલી હતી. આ જૂની અદાવત અને ગાળો બોલવાની અદાવત રાખીને આજે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો.

રિક્ષામાંથી ઉતરતાં જ ચાકુના 8 ઘા ઝીંક્યા

મેઘાણીનગરમાં રહેતો યુવક આજે સવારે ઘરેથી રિક્ષામાં બેસીને ગુલમર્ગ સોસાયટી પાસે ઉતર્યો હતો. આ સમયે બાપુનગરમાં રહેતા બે સગીરો ત્યાંથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મામલો વધુ હિંસક બન્યો હતો અને બંને સગીરોએ યુવક પર આડેધડ ચાકુના 8 ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે અને વધુ પડતું લોહી વહી જવાને લીધે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાસ્થળે બહેનનું હૈયાફાટ રુદન, પોલીસ તપાસ શરૂ

જાહેર રોડ પર ભાઈની લાશ જોઈને તેની બહેન અને પરિવારની મહિલાઓએ હૈયાફાટ રુદન કર્યું હતું, જેનાથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં એકઠા થયેલા ટોળાને વિખેરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.