રિક્ષામાં બેસવા બાબતની તકરારમાં યુવકની હત્યા

અમદાવાદ,સોમવાર
વટવા ગામમા શાકમાર્કેટ પાસે ગઇકાલે રાતે રિક્ષામાં બેસવા બાબતે સાથીદારો વચ્ચે તકરાર થઇ હતી જેમાં બે શખ્સોએ યુવકની હત્યા કરી હતી. તકરાર ઝગડો એટલી હવે ઉગ્ર બન્યો હતો કે એક શખ્સે મૃતક યુવકનેપાઇપ અથડાવી ગળુ દબાવી રાખ્યું હતું અને બીજા શખ્સે જોરદાર લાફો મારતાં યુવક બેભાન હાલતમાં રોડ ઉપર પટકાતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે વટવા પોલીસે બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાઇપ સાથે અથડાવી ગળુ દબાવી રાખ્યું ઃ બીજા શખ્સે જોરદાર લાફો મારતા યુવક બેભાન હાલતમાં જમીન પર પટકાતાં મોતને ભેટયો
ચંડોળા તળાવ પાસે રહેતી મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં રહેતા ક્રિષ્ના તથા રામોલમાં રહેતા અરુણ સામે ફરિયાદ નોંધાવી છે. રવિવારે સાંજે તેમના પતિ મિત્રો સાથે કચરો વીણવા માટે ગયા હતા. દરમિયાન રાતના સમયે એક છોકરાએ તમારા પતિને ચંડોળા તળાવ પાસે આવેલી ગરીબ નવાજ મસ્જીદ પાસે બેભાન હાલતમાં પડેલા છે. જેથી ફરિયાદી મહિલાએ ત્યાં જઇને જોયું તો તેમના પતિ બેભાન હાલતમાં જમીન પર પડેલા હતા. તેની બાજુમાં પરણિતાનો માનીતો ભાઈ તથા આસપાસના લોકો ટોળા ઉભા હતા.
મહિલાને લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે વટવા ગામમાં કચરો વિણવા માટે ગયા હતા. તે વખતે તેમના પતિ અને આરોપી મહિલાઓના વાળના ગુચ્છા વીણવાનું કામ કરે છે તે બન્ને વચ્ચે રિક્ષામાં બેસવાની બાબતે તકરાર થતા મારા મારી થઇ હતી. જેમાં ક્રિષ્નાએ ફરિયાદીના પતિને રીક્ષાના પાઈપ સાથે અથડાવીને ગરદન પકડી રાખી હતી. તે સમયે બીજા શખ્સે આવીને મહિલાના પતિને જોરદાર લાફો મારતા તે નીચે પટકાતાં બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે યુવકને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જતા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ ફરિયાદી મહિલાના પતિને મૃત જાહેર કર્યો હતો વટવા પોલીસે ખૂનનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.








