શાહપુરમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
બે વર્ષ પહેલા શિમલા જવા ટૂર ઉપાડી નુકશાન થતાં રૃા. ૬.૮૦ લાખ વ્યાજે લીધેલા
શાહપુર પોલીસે બે મહિલા સહિત છ લોકો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી
અમદાવાદ, શનિવાર
શાહપુરના યુવકે બે વર્ષ પહેલા શિમલા જવા માટે ટુર ઉપાડી હતી જેમાં નુકસાન થયું હતું. જેને લઇને યુવકે તેના પરિચીત લોકો પાસેથી રૃા. ૮.૬૦ લાખ વ્યાજે લીધા હતા. યુવકે મૂડી અને વ્યાજ ચૂકવ્યા છતા વધુ વ્યાજની માંગણી કરીને ઉઘરાણી કરતા હતા અને મારી નાખવાની તથા તેમના છોકરાને ઉપાડી જવાની ધમકી આપતા હતા. જેથી કંટાળીને યુવકે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે શાહપુર પોલીસે બે મહિલા સહિત છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂડી અને વ્યાજ ચૂકવ્યું છતાં વધુ રૃપિયાની માંગણી કરી ધમકી આપતા શાહપુર પોલીસે બે મહિલા સહિત છ લોકો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી
શાહપુરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે શાહપુર પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ચાંદલોડિયા ભાડેથી રહેતો હતો ત્યારે બે વર્ષ અગાઉ અમદાવાદથી શિમલા જવા માટે ટુર ઉપાડી હતી જેમાં નુકસાન થતા પરીચીત વ્યક્તિઓ પાસેથી કુલ રૃા. ૮.૬૦ લાખ વ્યાજે લીધા હતા.
યુવકે મૂકી અને વ્યાજ ચૂકવ્યું હોવા છતાં આરોપીઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને વધુ વ્યાજની માંગણી કરીને અવાર નવાર ફોન કરીને ધમકી આપતા હતા. એટલું જ નહી ઘરે આવીને જાનથી મારી નાખવાની અને રૃપિયા નહી આપે તો તેમના છોકરાને પણ મારી નાખવાની ધમકી આપતા હતા. ઉપરાંત પૂર્વ મકાન માલિક પણ બે ભાડાના રૃપિયા બાકી છે કહીને ધમકી આપતા હતા. જેથી કંટાળીને ડરના માર્યા યુવકે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉલ્ટીઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હાલમાં સારવાર હેઠળ છે.