લીલીયા તાલુકાના આંબા ગામે સેવા સહકારી મંડળીમાં 1.62 કરોડની ઉચાપત
સેવા સહકારી મંડળીના મંત્રી સામે વિરૂદ્ધ ફરિયાદ : ખાતર વેચાણની તથા અન્ય રકમ મળી રૂ. 1.71 કરોડ મધ્યસ્થ બેન્કમાં જમા કરાવવાના બદલે અંગત ઉપયોગમાં રાખી હતી
અમરેલી, : લીલીયા તાલુકાના આંબા ગામે આવેલ શ્રી ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડમાં મંત્રી તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભાયલાલભાઇ મહેતા રહે. હાથસણી રોડ સાવરકુંડલા જી. અમરેલી વિરૂદ્ધ રૂપિયા 1,61,70,025.77/- અંદાજે રૂપિયા દોઢ કરોડથી વધુ રકમની ઉચાપત કર્યાની અને છેતરપિંડીનો ગુનો આચર્યાની મંડળીના પ્રમુખે લીલિયા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અશોકભાઈ ભાયલાલભાઇ મહેતા તા. 05-07-2024થી તા. 17-01-2025સુધી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે મંડળીના અલગ અલગ સભાસદો પાસેથી મધ્યમ મુદત ધિરાણના હપ્તા, વ્યાજ, શેર તેમજ રાસાયણિક ખાતરના વેચાણની કુલ રૂ. 1,71,21,457.77ની રકમ એકત્રિત કરી હતી. આ રકમ તેમણે મંડળીના રોજમેળમાં જમા લીધી હતી, પરંતુ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ, આંબા શાખામાં જમા કરાવવાના બદલે ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખી હતી. વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.જે રકમ પોતાના અંગત ઉપયોગમાં લીધી હતી.
આ મંત્રીએ ગત તા. 18-2-2025ના રોજ રૂ. 4,51,432/- અને તા. 07-05-2025ના રોજ રૂ. 5,00,000/- મળી કુલ 9,51,432 બેંકમાં જમા કરાવ્યા હતા. બાકીના રૂ. 1,61,70,025.77હજુ પણ બેંકમાં જમા કરાવ્યા નથી અને તેનો અંગત ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.આ સમગ્ર મામલે આંબા સેવા સહકારી મંડળી અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (આંબા શાખા) સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવા બદલ મંડળીના પ્રમુખ જીજ્ઞોશભાઇ મનસુખભાઇ સાવજ એ અશોકભાઇ મહેતા વિરૂદ્ધ લિલીયા પોલીસ મા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.