Gujarat

ઇમેલ આઇડી હેક કરી, ડેટાનાં નામે રૂ. 80 લાખની માગણી

By GS TEAM
3 Sep 20252 mins read
ઇમેલ આઇડી હેક કરી, ડેટાનાં નામે રૂ. 80 લાખની માગણી

કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે અગાઉ નોકરી કરતા શખ્સ દ્વારા : રાજકોટમાં લેબર સપ્લાયનું કામ કરતી કંપનીના ડિરેક્ટરની સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ, : 150 ફૂટ રિંગ રોડ પરનાં ચંદ્રપાર્ક-2, શેરી નંબર 14માં રહેતા કૈલાશભાઈ પ્રજાપતિ (ઉ.વ. 35)ની કંપનીનું ઇ-મેઇલ આઇડી પૂર્વ કર્મચારી અનંત વાઘજીભાઈ કોબીયાએ હેક કરી, કંપનીનો ડેટા વાયરલ કરવાની ધમકી આપી રૂ. 80 લાખ માંગ્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ફરિયાદમાં કૈલાશભાઈએ જણાવ્યું છે કે, તે પ્રોમોકાશ આઉટ સોર્સિંગ નામની કંપનીમાં ડાયરેક્ટર છે. કંપનીની ઓફિસ મવડી સર્કલ પાસે આર.કે. એમ્પાયર બિલ્ડિંગમાં આવેલી છે, જ્યાંથી તે લેબર સપ્લાયરનું કામ કરે છે. તા. 27 જૂનનાં રોજ ઓફિસે હતા ત્યારે મોબાઇલની સ્ક્રીન ઉપર તેનું મેઇલ આઇડી અન્ય કોઇ ડિવાઇસમાં લોગઇન થયાનું નોટીફીકેશન આવ્યું હતું. ત્યાર પછી તે આઇડી લોગઇન થતું ન હોવાથી હેક થયાનું જણાયું હતું.

તેનાં થોડા દિવસો પછી ત્રણેક વર્ષ પહેલા તેની કંપનીમાં એકાઉન્ટન્ટ અને એચ.આર. તરીકે નોકરી કરતો અનંત મળ્યો હતો. જેણે કહ્યું કે, મેં તારી કંપનીનાં ઇ-મેઇલ આઇડી હેક કર્યા છે, જો તારે આ આઇડી તથા કંપનીનો ડેટા પાછો જોઇતો હોય તો મને રૂ. 80 લાખ આપવા પડશે, જો રૂપિયા નહીં આપ તો તારી કંપનીનો ડેટા વાયરલ કરી નાખીશ. આ રીતે અનંતે નોકરી દરમિયાન તેની જાણ બહાર કપટથી તેનું મેઇલ આઈડી હેક કરી, તેનાં કોમ્પ્યુટરમાં રહેલો ડેટા વાયરલ કરવાની ધમકી આપી, બ્લેકમેઇલિંગ શરૂ કરતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરી હતી, જેના આધારે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.