Get The App

વીજ કરંટથી મોતનો ત્રીજો બનાવ સમસાબાદમાં થાંભલા પર કરંટથી નીચે પટકાયેલા લાઇનમેનનું મોત

વીજ તાર પરના વેલા સાફ કરતી વખતે અચાનક કરંટ લાગ્યો અને લાઇનમેન નીચે પટકાયો

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
વીજ કરંટથી મોતનો ત્રીજો બનાવ  સમસાબાદમાં થાંભલા પર કરંટથી નીચે પટકાયેલા લાઇનમેનનું મોત 1 - image

વડોદરા, તા.3 વાઘોડિયા તાલુકામાં વીજલાઇનનું કામ કરતી વખતે ટૂંકા સમયમાં બે વ્યક્તિના મોત બાદ વડોદરા નજીક સમસાબાદમાં વીજ કામગીરી દરમિયાન કરંટ લાગતા નીચે પટકાયેલા વીજ કર્મચારીનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના મૂળ વતની તેમજ હાલ વડોદરા-ડભોઇરોડ પર શુભ રેસિડેન્સીમાં રહેતા નયન ચુનીલાલ ડાભી (ઉ.વ.૪૬) જામ્બુઆ જીઇબીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા હતાં. તા.૧૧ના રોજ બપોરે તેઓ વડોદરા તાલુકાના સમસાબાદ ગામની સીમમાં એમજીવીસીએલ તરફથી વીજકરંટ પસાર થવા માટે લગાવેલ થાંભલા પર ચઢી તાર પરથી લીલા વેલ સાફ કરતા હતા ત્યારે થાંભલા પર વીજકરંટ ચાલુ હોવાથી તેમને વીજકરંટ લાગતા છાતી, પેટના ભાગે સખત દાઝી જવાથી તેઓ થાંભલા પરથી નીચે પટકાયા હતાં.

તેમને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં ગઇ રાત્રે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે વરણામા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં વાઘોડિયાના સિધ્ધિ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં મેન્ટેનન્સનું કામ કરતા ત્રણ કર્મચારીઓ પૈકી એક કર્મચારી ઊંચી સીડી લઇને પસાર થતો હતો ત્યારે ઉપરથી પસાર થતી ૧૧ કેવીની વીજલાઇન સાથે સીડી અડી જવાથી વીજશોક લાગતા સ્થળ પર જ સળગી જતા સુખદેવ મુલાની નામની વ્યક્તિનું કરૃણ મોત નિપજ્યું હતું અને આમોદર ગામે સ્ટ્રીટ લાઇટના રિપેરિંગ વખતે થાંભલા પર ચઢેલા નરેશ પ્રભાતસિંહ પટેલને કરંટ લાગતા નીચે પટકાયા બાદ તેનું પણ સારવાર દરમિયાન એક દિવસ પહેલાં મોત નિપજ્યું હતું.