નડિયાદના મહોળેલ ગામમાં વીજળીના ધાંધિયાઃ મહિલાઓએ રામધૂન બોલાવી
- ચકલાસી પેટા વીજ કચેરીનો ઘેરાવો
- વારંવાર વીજ પ્રવાહ ખોરવાયો, લૉ-વોલ્ટેજથી લોકો ત્રસ્ત : નવા કેબલ અને ડીપી નાખવા માંગણી
નડિયાદ તાલુકાના મહોળેલ ગામમાં વર્ષો જૂની વીજ લાઇનના વાયરો જર્જરીત થઈ ગયા છે. મહોળેલ ગાંધી ચોકથી ગામના મોટાભાગના વિસ્તારમાં અવારનવાર વીજ પ્રવાહ ખોરવાય છે. જે અંગે અવારનવાર એમજીવીસીએલમાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે વીજ પુરવઠો બંધ થઈ જતા લોકો ત્રસ્ત બન્યા છે. એટલું જ નહીં લો વોલ્ટેજના કારણે વીજ ઉપકરણોને ભારે નુકસાન થઇ રહ્યું છે. ગામમાં થોડા વર્ષ અગાઉ કરંટ લાગવાની ઘટના બની હતી. પોલ બદલવા રજૂઆત કરવામાં આવતા વીજ કંપની દ્વારા નવો પોલ ઉભો કરવામાં આવ્યો છે પરંતુ ચાર માસ જેટલો સમય થવા છતાં હજુ સુધી વીજ લાઈન નવા પોલ ઉપર ખસેડવામાં આવી નથી. ઉપરાંત લો વોલ્ટેજ તેમજ વીજળીના ધાંધિયા દૂર કરવા નવી ડીપી નાખવા પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં એમજીવીસીએલ અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે રોષે ભરાયેલી મહિલાઓએ ચકલાસી પેટા કચેરીમાં જઈ ઘેરાવો કર્યો હતો.
આમ છતાં કલાકો સુધી વીજ કંપનીના અધિકારી દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં નહીં આવતા મહોલેલની મહિલાઓએ કચેરીમાં રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. એમજીવીસીએલના સત્તાધીશો દ્વારા મોહલેલ ગામમાં વર્ષો જૂની વીજ લાઇનના વાયરો બદલવા તેમજ નવી ડીપી નાખવા કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.