ભાવનગર-ઘોઘાના 6 સબ ડિવિઝનમાંથી રૂા. 62 લાખની વીજચોરી ઝડપાઈ
- સતત બીજી દિવસે જિલ્લામાં વીજ ચેકિંગ ડ્રાઈવ
- સીટી-1, 2 અને રૂલર સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ચેકિંગ, 144 કનેક્શનોમાં ગેરરીતિ સામે આવતા દંડાત્મક કાર્યવાહી
ભાવનગર : પીજીવીસીએલ દ્વારા આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના કુલ ૬ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘર વપરાશ, વાણીજ્ય તથા ખેતીવાડી સહિત કુલ ૧૪૪ કનેક્શનોમાં રૂ.૬૨ લાખની વીજચોરી ઝડપાઈ હતી.
ભાવનગર વર્તૂળ કચેરી હેઠળની સીટી-૧, ૨ અને ગ્રામ્ય વિભાગિય કચેરી હેઠળની કુંભારવાડા, ડાયમંડ ચોક, ચિત્રા, ઘોઘા,મામસા અને વરતેજ પેટા વિભાગિય કચેરી હેઠળના વિસ્તારોમાં પીજીવીસીએલની ૫૭ ટીમો દ્વારા આજે વહેલી સવારથી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે હાથ ધરવામાં આવેલી વીજ ચેકિંગ કામગીરીમાં કુલ ૮૨૧ ઘર વપરાશ, ૩૫ વાણિજ્ય અને ૧૦ ખેતી વાડી મળી કુલ ૮૬૬ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ઘર વપરાશના ૧૩૮, વાણિજ્યના ૫ અને ખેતી વાડીના ૧ મળી કુલ ૧૪૪ વીજ કનેક્શનમાં વીજચોરી માલૂમ પડતા પીજીવીસીએલ દ્વારા કુલ રૂ.૬૨ લાખની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.