પાવઠી, ઉંચડી અને પ્રતાપરામાંથી 40 કનેક્શનોમાં 5 લાખની વીજચોરી પકડાઈ

- તળાજા પંથકમાં પીજીવીસીએલની વીજચેકિંગ ડ્રાઈવ
- વીજતંત્રની નવ ટીમો દ્વારા વહેલી સવારથી વીજ ચેકિંગ હાથ ધરાયું હતું
તળાજા : તળાજા પંથકના પાવઠી, ઉંચડી અને પ્રતાપપરામાં પીજીવીસીએલ દ્વારા આજે વહેલી સવારથી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ કનેક્શનોમાં ૫ લાખની વીજચોરી ઝડપાઈ છે.
તળાજા પંથકના ઉંચડી, પ્રતાપરા અને પાવઠી ગામમાં વહેલી સવારથી પીજીવીસીએલની જુદી-જુદી ટીમો દ્વારા વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલે કુલ ૪૦ કનેક્શનોમાં રૂ.૫ લાખની વીજચોરી ઝડપી હતી. આ અંગે પીથલપુર સબ ડિવિઝનના નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે, ૫૨ ટકા વીજલોસ ધરાવતા ગામોમાં કુલ નવ ટીમો દ્વારા આજે વહેલી સવારથી વીજચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત આ વિસ્તારમાં અનેક ગ્રાહકોએ વીજબીલ ભર્યા નથી તેમની સામે આગામી દિવસોમાં કાર્યવાહી થશે અને જ્યાં વધારે વીજલોસ છે તેવા ફીડરોમાં પણ વીજચેકિંગ આગામી દિવસોમાં સઘન ચેકિંગ હાથ ધરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

