- પોલીસ અને એસઆરપી કાફલા સાથે પીજીવીસીએલ ડ્રાઇવ
- ચેકિંગ દરમિયાન વીજ ટીમોએ 805 વીજ કનેક્શન તપાસ્યા, 123 જોડાણમાં ગેરરીતિ ઝડપાઇ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલા વીજ લોસને ડામવા માટે પીજીવીસીએલ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૮ એસઆરપી જવાનો અને ૩૧ પોલીસ ટીમોના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ વિભાગના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું,
ચેકિંગ દરમિયાન જિલ્લાના ચુલી, ગાળા, સોલડી, જૈનાબાદ અને મીઠાઘોડા સહિતના ૧૨ ગામોમાં દરોડા પાડયા હતા. આ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ ૮૦૫ વીજ કનેક્શનોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં ૧૨૩ જોડાણોમાં સીધી વીજચોરી કે ગેરરીતિ માલૂમ પડી હતી.
આ કાર્યવાહી દરમિયાન પીજીવીસીએલ દ્વારા કુલ રૂ.૪૫.૭૭ લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. વિભાગે વીજચોરી કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. એકસાથે આટલા મોટા કાફલા સાથે વીજ વિભાગની ટીમો ગામડાઓમાં ત્રાટકતા વીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવાના સંકેત તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.


