ભાવનગરમાં 5 હજારથી વધારે કનેક્શનોમાં રૂ. 19.32 કરોડની વીજચોરી ઝડપાઈ

- નાણાંકીય વર્ષ 2025-26 ના પ્રથમ બે ક્વાટરમાં
- પીજીવીસીએલે જુદાં-જુદાં સમયે ડ્રાઈવ યોજી 22 હજારથી વધારે કનેક્શનો ચકાસ્યા હતા, 2024-25 માં રૂ. 27 કરોડની વીજચોરી પકડાઈ હતી
પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીએ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ બે ક્વાટરમાં સમયાંતરે જુદાં-જુદાં ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. વીજતંત્રએ છેલ્લા છ માસના સમયગાળામાં વીજ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત ૨૨,૭૮૯ વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૫૬૨૦ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૧૯.૩૨ કરોડની વીજચોરી ઝડપાઈ હતી. જેમાં સૌથી વધારે ઓગસ્ટ માસમાં રૂ.૪.૫૩ કરોડની અને સૌથી ઓછી એપ્રીલ અને મે માસમાં રૂ.૨.૫૯ કરોડની વીજ ચોરી પકડાઈ હતી. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં પીજીવીસીએલે કુલ ૩૪,૮૫૨ વીજ કનેક્શન ચેક કર્યાં હતા. જેમાંથી ૮૦૩૨ વીજ કનેક્શનોમાં રૂ.૨૭.૯૮ કરોડની વીજચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ગત નાણાંકીય વર્ષમાં પકડાયેલી કુલ વીજચોરીના ૫૦ ટકા કરતા વધારે વીજચોરી ચાલુ નાણાંકીય વર્ષના ૬ મહિનામાં ઝડપાઈ છે. વીજચોરીની સામે પીજીવીસીએલની આક્રમક કાર્યવાહી છતાં વીજચોરીનું પ્રમાણ વધી રહ્યું છે.








