દેવભૂમિ દ્વારકાના શિવરાજપુરમાં આવેલા રિસોર્ટમાંથી મસ મોટી વીજ ચોરી પકડાઈ
image : Socialmedia
Jamnagar : જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં પહોંચી ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને રિસોર્ટમાંથી 24 લાખ 80 હજારની મસમોટી વિજ ચોરી પકડી પાડવામાં આવી છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ટુકડીએ ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર વિસ્તારમાં આવેલા યુવિકા રિસોર્ટમાં ઓચિંતો દરોડો પાડયો હતો, અને વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી.
જે ચેકિંગ દરમિયાન રિસોર્ટના સંચાલકો વગેરે દ્વારા પીજીવીસીએલના વીજ થાંભલા પરથી સીધો વિજ વાયર જોઈન્ટ કરીને ગેરકાયદે રીતે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આથી વિજ ચેકિંગ ટુકડીએ બનાવનાર સ્થળેથી 15 મીટર જેટલો વીજ વાયર તથા વિજ મીટર સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી છે, અને રિસોર્ટના સંચાલક પેથાબા સાંગાભા નાયાણી સામે વીજ પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે, અને તેઓને કુલ 24,80,603 નું વીજ ચોરીનું પુરવણી બિલ ફટકારવામાં આવ્યું છે.