Get The App

સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગમાં ૫૭ લાખની વીજ ચોરી ઝડપાઈ

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગમાં ૫૭ લાખની વીજ ચોરી ઝડપાઈ 1 - image

વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીએ ફરી એક વખત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દરોડ પાડીને ૫૭ લાખ રુપિયાની વીજ ચોરી ઝડપી પાડી છે.

મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીની ત્રણ ટીમોેએ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીગેટ અને માંડવી સબ ડિવિઝન હેઠળના બાવામાનપુરા, કાગડાની ચાલ, રાજારાણી તળાવ, બાવચા વાડ, જુની ગઢી, યાકુતપુરા, હાથીખાના, ગેંડા ફળિયા, દુધવાળા મહોલ્લા, છીપવાડ, સરસિયા તળાવ જેવા વિસ્તારોમાં ૧૭૮૨ વીજ જોડાણોનું ચેકિંગ કર્યું હતુ.જેમાં ૫૪ કિસ્સામાં મીટરને બાયપાસ કરીને સીધે સીધું લાઈનમાંથી વીજ જોડાણ લેવામાં આવ્યું હતું.ચાર કિસ્સામાં પોતાના જોડાણમાંથી અન્ય કોઈને જોડાણ આપવાની અને રહેણાંક કનેકશનનો ઉપયોગ દુકાનમાં કરવામાં આવતો હોવાની ગેરરીતિ ઝડપાઈ હતી.

વીજ ચેકિંગ દરમિયાન છીપવાડ વિસ્તારમાં એક વીજ ગ્રાહકે ખોટી રીતે વીજ ચોરીનો કેસ કરવામાં આવ્યો છે તેમ કહીને વીજ કંપનીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી.ઝઘડો વધારે ઉગ્ર બનતો જોઈને વીજ કંપની દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી અને એ પછી મામલો થાળે પડયો હતો.સૂત્રોનું કહેવું છે કે, સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉ પણ દરોડા પાડવામાં આવ્યા છે.છતા વીજ ચોરી વ્યાપક રીતે થઈ રહી હોવાથી આગામી દિવસોમાં પણ ચેકિંગની કામગીરી ચાલુ રહેશે.