Get The App

મોવિયાની સીમમાં માનવજીંદગી જોખમાય તેવી રીતે લંગરિયું નાખી કરાતી વીજચોરી ઝડપાઇ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News

સબસ્ટેશનેથી પાવર બંધ કરાવવા છતાં કરંટ આવતો હતો : જ્યોતિગ્રામ ફીડરમાંથી પાવરચોરી કરવા હૂક મારેલા લંગરિયાનો ઉપયોગ કરાતો હતો : લાઇન રિપેર કરવા આવેલી વીજ ટુકડીએ તપાસ કરતા બંધ લાઇનમાં પાવર આવતો હતો જે બધા માટે જોખમી હતો

ગોંડલ, : મોવિયાની સીમના ખેડૂતે જ્યોતિગ્રામ ફિડરમાંથી ડાયરેક્ટ લંગરિયુ નાંખી વીજ સપ્લાય ચાલુ કરી દેતા લાઇન રિપેરિંગમાં આવેલ ટીમની સમય સુચકતાથી માંડ જીવ બચી ગયો હતો. બનાવ અંગે વીજ ચોરી કરનાર ખેડૂત વિરૂધ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નાયબ ઇજનેર સંદીપકુમાર છગનભાઇ હિરાણીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિનોદ ભગવાન રાણપરીયા (રહે. મોવિયા)નું નામ આપી જણાવ્યું હતું કે ગઇ તા. 24 જૂનના માંડણ કુંડલા ખેતીવાડી ફીડરમાં ફોલ્ટ હોવાથી સ્ટાફ ફીડર રિપેરિંગ કરવા માટે ગયેલ હતો. અને ત્યાંથી તેઓએ ફોન કરીને વાત કરેલ કે, અમે પાવર કાપી લાઇન ક્લીયર કરાવેલ છે છતાં પણ આ ફીડરમાં પાવર આવે છે તમે સ્થળ ઉપર આવો એવી જાણ કરેલ હતી. જેથી તેઓ જુનિયર ઇજનેર સાથે મોવિયા ગામથી માંડણ કુંડલા ગામ તરફ ગયેલ તો સ્ટાફના માણસો સ્થળ પર હાજર હતા અને સ્ટાફના માણસોએ જણાવેલ કે, આ કુંડલા ખેતીવાડી ફીડરમાં સબ સ્ટેશનથી લાઇન ક્લીયર કરાવેલ તેમ છતાં પાવર આવે છે જેથી આ પાવર ક્યાં ફીડરમાંથી આવે છે તે બાબતે તપાસ કરતા વિનોદ ભગવાન રાણપરીયાની ખેતીની વાડીએથી પાવર આવતો હોવાનું જણાઇ આવેલ હતું. જેથી તેની વાડીએ પહોંચી તપાસ કરતાં તેણે કુંડલા ખેતીવાડી ફીડરમાંથી કેબલ દ્વારા ગેરકાયદેસર વીજ કનેકશન મેળવેલ હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે તમામ ટેકનિકલ ખરાઇ કરી હતી. અહીં વીજ ટ્રન્સફોર્મરના ડીઓ ઉતારતા પાવર આવતો બંધ થઇ જતો હતો અને ડીઓ ચડાવતા પાછો પાવર આવતો હતો. જેની તપાસ કરતા ફૂડ કારખાનેદારે હુક બનાવેલ વાયરનું લંગરિયુ મારેલ હતું. આથી જ્યોતિગ્રામ ફીડરમાંથી વાયરનું લંગરિયું નાંખી વીજચોરીનાં બનાવ અંગે વિનોદ રાણપરીયા સામે પોલીસ ફરિયાદ થતાં તાલુકા પોલીસે ગુનો નોંધી એએસઆઈએ તપાસ હાથ ધરી છે.

Tags :