Gujarat

સાયલા, ચુડા, લીંબડી તાલુકામાં વીજ તંત્રના દરોડા, 22 જોડાણમાં ગેરરીતિ પકડાઇ

By GS TEAM
13 Nov 20252 mins read
સાયલા, ચુડા, લીંબડી તાલુકામાં વીજ તંત્રના દરોડા, 22 જોડાણમાં ગેરરીતિ પકડાઇ

- પીજીવીસીએલની 37 ટીમો ત્રાટરી : 5 લાખનો મુદ્દામાલ જપત

- સાયલાના સેજકપરમાંથી 6, લીંબડીના ગેડી ગામેથી 2 ગેરકાયદે વીજ ટ્રાન્સફોર્મર ઝડપાયા

સાયલા : લીંબડી વિધાનસભામાં આવતા સાયલા, ચુડા અને લીંબડી તાલુકામાં પીજીવીસીએલ રાજકોટની ૩૭ જેટલી કોર્પોરેટ ટીમો ત્રાટકી હતી. વીજ તંત્રની ટીમોએ સાયલા અને લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આઠ ગેરકાયદે વીજ ટ્રાન્સફોર્મર તેમજ ૨૨ કનેક્શનમાં ગેરરીતિ ઝડપી પાડી પાંચ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. 

સાયલા, ચુડા, લીબડી તાલુકામાં વીજલોડ વધતા તેમજ લો વોલ્ટેજની ફરિયાદો ઉઠતાં પીજીવીસીએલની રાજકોટ કોર્પોરેટની ૩૭ જેટલી ટીમે એસઆરપી, સ્થાનિક પોલીસ અને પીજીવીસીએલ પોલીસની ટીમને સાથે રાખી રહેણાંક, વાણિજ્ય અને ખેતીવાડી વિસ્તારના ૧૫૦થી વધુ વીજ કનેક્શન ચેક કર્યા હતા જેમાં ૨૨ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી. આ ઉપરાંત સાયલા તાલુકાના સેજકપરમાં છ અને લીંબડી તાલુકાના ગેડી ગામેથી બે મળી કુલ આઠ ગેરકાયદે ઊભા કરેલા વીજ ટ્રાન્સફર ઝડપાયા હતા. જોકે, આ બંને તાલુકામાં વીજ ગ્રાહકોની સંખ્યા નહીવત છે. તંત્રની ટીમોએ આઠ વીજ ટ્રાન્સફર સહિત ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તમામ વીજ ટ્રાન્સફોર્મર લીંબડી લઈ જવામાં આવ્યા હતા.

પીજીવીસીએલના મુખ્ય ઇજનેર વી.એન. ચૌધરીને ગેરકાયદે ઝડપાયેલા ટ્રાન્ફરોર્મ અંગે પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આ ટ્રાન્સફોર્મ બીનવારસી હાલતમાં મળી આવ્યા છે. જ્યારે આ વીજટ્રાન્ફોર્મ ક્યાંથી આવ્યા, કેટલાય સમયથી ચાલતા હતા અને કોની જમીનમાં હતી તે તમામ બાબતો તપાસનો વિષય બન્યો છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં થાનગઢના રતનપર ટીંબા વિસ્તારમાં ગેરકાયદે કોલસાના કુવાઓ પર દરોડો પાડયો હતો. જેમા ત્રણ વીજ ટ્રાન્સફોર્મર ગેરકાયદે મુકીને વીજળીનો ઉપયોગ કોલસાના કુવાઓમાંથી થનન થતું હોવાનું ધ્યાને આવ્યા હતું.