Get The App

સરકારે 2024માં બે વખત વીજદરોમાં ઘટાડો કર્યો, ઊર્જા મંત્રી કનુ દેસાઈનો વિધાનસભામાં દાવો

Updated: Mar 25th, 2025

GS TEAM

Google News
Google News
સરકારે 2024માં બે વખત વીજદરોમાં ઘટાડો કર્યો, ઊર્જા મંત્રી કનુ દેસાઈનો વિધાનસભામાં દાવો 1 - image

Electricity Consumers get Relief : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે વર્ષ-2024 દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં વીજગ્રાહકોને કુલ સરેરાશ રૂ. 2004 કરોડની રાહત આપવામાં આવી છે. ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ મહિને રાજ્યમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય, તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યુઅલ ચાર્જ નિયત કરવામાં આવે છે. 

ગુજરાત સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સોલાર અને વિન્ડ એનર્જીમાં ટોચ પર છે. છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની કુલ રિન્યુએબલ ઊર્જા  ઉત્પાદન ક્ષમતા 15,400 મેગાવોટથી વધીને 32,924 મેગાવોટ કરવામાં આવી છે.

કનુભાઈ દેસાઈએ કહ્યું કે 'દેશમાં વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા માટે રિન્યુએબલ એનર્જી સ્રોતો મારફત 500 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન છે. જેમાં ગુજરાતનું પણ 100 ગીગાવોટ રિન્યુએબલ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.'

આ પણ વાંચો: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનું ડેમેજ કંટ્રોલ, 200થી 300 કલાકારોને વિધાનસભામાં આવવા આમંત્રણ

વર્ષ 2024-25 દરમિયાન બે વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તા. 1 જાન્યુઆરી, 2024ની અસરથી યુનિટદીઠ 50 પૈસા, જ્યારે તા. 1 ઑક્ટોબર, 2024થી 40 પૈસા એમ બે વખત ઘટાડો કરવામાં આવતાં વર્ષ-2024માં વીજગ્રાહકોને કુલ રૂ. 2004 કરોડની સરેરાશ રાહત આપવામાં આવી છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય, ત્યાં સુધી રાજ્યના 1 કરોડ 50 લાખ વીજગ્રાહકો માટે આ ઘટાડો લાગુ રાખવામાં આવશે.

આ ઘટાડાથી વર્ષ 2024 દરમિયાન મોરબી જિલ્લાના 3,02,410 વીજગ્રાહકોને કુલ રૂ. 189.54 કરોડની રાહત આપવામાં આવી છે. જ્યારે પાટણ જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન 4,12,193 વીજગ્રાહકોને 21.65 કરોડની રાહત આપવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યના બીપીએલ કાર્ડ ધારકોને વીજબિલના દરોમાં અપાતી રાહત અંગે ઊર્જા મંત્રીએ જણાવ્યું કે અન્ય રહેણાંક વિસ્તારોના વીજ ગ્રાહકોની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે વીજદરો ઓછા હોય છે. જે મુજબ રહેણાક વિસ્તારના ગ્રાહકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. 15થી 70 છે, જ્યારે બીપીએલ કાર્ડધારકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. 5 છે. આ જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ 50 યુનિટદીઠ ચાર્જ રૂ. 2.65, જ્યારે શહેરી વિસ્તારોમાં પ્રથમ 50 યુનિટના રૂ. 3.05ની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે પ્રથમ 50 યુનિટ દીઠ રૂ. 1.50 લેખે વીજ ચાર્જ આકરવામાં આવે છે.