જૂનાગઢ જિલ્લાની 216 ગ્રામ પંચાયતમાં ચૂંટણીના પડઘમ
આગામી મે-જૂન મહિનામાં ચૂંટણીની શક્યતા 77 સામાન્ય, 2 મધ્યસ્થ, 4 વિભાજિત, 133 પંચાયતની પેટા ચૂંટણીની તૈયારીને અપાતો આખરી ઓપ
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં મુદત પૂર્ણ થઈ ગઈ હોય તથા હાલમાં જ્યાં વહિવટદારનું શાસન છે તેવી 216 ગ્રામ પંચાયતોમાં આગામી મે-જૂન મહિનામાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. આ ઉપરાંત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે પણ તંત્રએ તૈયારીઓ આદરી ચૂંટણીપંચને બેઠકોની યાદી મોકલવાની તજવીજ હાથ ધરી છે.
રાજ્ય ચૂંટણી આયોગે 1 એપ્રિલ 2022થી 31 જૂન 2025 સુધી મુદત પૂર્ણ થતી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી, વિસર્જન થયેલ ગ્રામ પંચાયતની મધ્યસ્થ ચૂંટણી અને વિભાજનની અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતે અગાઉ યોજાયેલ ચૂંટણીમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીની પૂર્વ તૈયારીનો ધમધમાટ શરૂ કર્યો છે. આયોગ દ્વારા વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોની વિગતો મંગાવવામાં આવી છે.
પેટા ચૂંટણી ઉપરાંત અગાઉ કોઈપણ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તમામ બેઠકમાં ઉમેદવારી પત્ર ભરેલ ન હોય તેવી ગ્રામ પંચાયતની ચૂંટણીની પણ યાદી મંગાવવામાં આવી છે. ચૂંટણી આયોગે મતદારયાદીના નમૂના પણ મંગાવ્યા છે જેથી પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામ્ય કક્ષાએ રાજકીય ગરમી જોવા મળી રહી છે. ઉનાળાની ગરમી સાથે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીના પડઘમથી માહોલ ગરમાયો છે. જૂનાગઢ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. 1 એપ્રિલ 2022થી 31 જૂન 2025 સુધીમાં મુદત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોમાં 77 સામાન્ય, 2 મધ્યસ્થ, 4 વિભાજિત અને 133 પેટા ચૂંટણી મળી કુલ 216 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવા તંત્ર દ્વારા ધમધમાટ શરૂ કર્યો છે.
9 તાલુકાની 216 ગ્રામ પંચાયત બેઠકો
જિલ્લામાં જૂનાગઢ ગ્રામ્યમાં 27, વંથલી 16, માણાવદર 27, વિસાવદર 33, ભેસાણ 20, મેંદરડા 13, માળિયાહાટીના 25, કેશોદ 26, માંગરોળ 29 મળી કુલ 216 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.