અમૂલ ડેરીની 12 બેઠકોની 10 સપ્ટેમ્બરે ચૂંટણી
- આખરી મતદાર યાદીમાં 1210 મતદારો : 15 નવા મતદારો ઉમેરાયા
- ભાજપના આણંદ અને ઉમરેઠના ધારાસભ્યો, અમૂલ ડેરીના વાઈસ ચેરમેન, આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત મોટા માથાનો મતદાર યાદીમાં સમાવેશ
આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ૧૨ બ્લોક તેમજ એક વ્યક્તિગત વિભાગની ચૂંટણી તા. ૧૦મી સપ્ટેમ્બરે યોજાશે. ત્યારે ગત તા. ૩૦ જુલાઈએ કાચી યાદીમાં ૧૧૯૫ મતદારોની પ્રસિદ્ધિ કરાઈ હતી. ૬૧ વાંધા અરજીની સૂનાવણીના બાદ આજે ૧૨૧૦ મતદારોની આખરી મતદાર યાદી જાહેર કરાઈ છે. જેમાં સૌથી વધુ ૧૧૨ મતદારો કપડવંજ બ્લોકમાં જ્યારે સૌથી ઓછા ૮૯ મતદારો પેટલાદ બ્લોકમાં નોંધાયા છે.
અમૂલ ડેરીમાં ૧૩મા બ્લોક તરીકે વ્યક્તિગત સભાસદ ઉમેદવારી નોંધાવતા હોય છે. જે બ્લોકમાં ૨૩ મતદાર હોવાનું પ્રસિદ્ધ કરાયું હતું.
આણંદ અમૂલની આજે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં કોંગ્રેસ સમર્થકો દ્વારા ૭ જેટલા ભાજપના અગ્રણીઓ સામે થયેલી વાંધા અરજી મંજૂર નહીં કરાતા તમામ નામો મતદાર યાદીમાં યથાવત્ રહ્યા છે. યાદીમાં આણંદ જિલ્લા ભાજપના દિગ્ગજોના નામનો પણ સમાવેશ થયો છે. જેમાં આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ (આણંદ), ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ રવજીભાઈ પરમાર (ચિખોદરા), અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ મણીભાઈ સોઢા પરમાર (વાંસખિલિયા), આણંદ જિલ્લા પંચાયત ભાજપના પૂર્વ પ્રમુખ જશવંતસિંહ સોલંકી (મોગર), આણંદ સહકારી ક્ષેત્રના અગ્રણીના પત્ની હેતલબેન વિપુલભાઈ પટેલ (રંગાઈપુરા) સહિત અન્ય નામનો પણ મતદાર યાદીમાં સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું છે. અમૂલ ડેરીની ચૂંટણી માટે ૧૨ બેઠકો માટે આજે મોડી સાંજે ચૂંટણી જાહેર કરાઈ છે. જેમાં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ- આણંદના પેટા નિયમોના નિયમ-૧૬.એ.૧ મૂજબ મતદાર વિભાગ-૧માં ૪-પેટલાદ અને ૫- ઠાસરા મતદાર મંડળ મહિલા માટે અનામત છે. તા. ૨૦થી ૨૮ ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે.
ઉમેદવારોને મેન્ડેટ અપાશે પણ ભાજપનું નિશાન નહીં અપાય
ભાજપના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, ભાજપ દ્વારા ૧૨ બેઠકો ઉપર તમામ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવશે પરંતુ, ભાજપનું નિશાન આપવામાં નહીં આવે. ભાજપની પેનલના તમામ ઉમેદવારોના નિશાન એક સરખા રાખવામાં આવશે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
નવરા પડેલા લોકો સત્તામાં ટકવા જમીન ખરીદીના આક્ષેપ કરે છે : ભાજપના પ્રભારી
અમુલ ડેરીની ચૂંટણી માટે ભાજપ તરફથી જવાબદારી સોંપાયેલા પ્રભારી અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમૂલની ચૂંટણી આવતા નવરા પડેલા કેટલાક લોકો સત્તામાં ટકી રહેવા માટે આક્ષેપો કરી રહ્યા છે. જમીન ખરીદીના મુદ્દે કરવામાં આવેલા આક્ષેપો નકારતા તેઓએ કહ્યું હતું કે, રેલીમાં જોડાયેલા લોકો સાચા અર્થમાં પશુપાલક હતા જ નહીં.
અમૂલ ડેરીની ચૂંટણી સંદર્ભે જાહેરનામું
* ૨૦થી ૨૮ ઓગસ્ટ ફોર્મ ભરી શકાશે.
* ૨૯મી ઓગસ્ટે ફોર્મ ચકાસણી કરાશે.
* ૩૦મી ઓગસ્ટે ફોર્મ પરત ખેંચી શકાશે, હરીફ ઉમેદવારની આખરી ઔ યાદી પ્રસિદ્ધ થશે.
* ૧૦મી સપ્ટેમ્બરે બેલેટ પત્રથી મતદાન થશે.
* ૧૨મી સપ્ટેમ્બરે સવારે ૯ વાગ્યાથી મતગણતરી યોજાશે.
તમામ કાર્યકરોને સાથે રાખી 13 બેઠકો જીતવા પ્રયત્ન કરાશે : જિલ્લા ભાજપ પ્રમુખ
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલે તમામ ૧૩ બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. મોવડીમંડળ તરફથી જેને મેન્ડેટ આપવામાં આવશે તેવા ઉમેદવારોને જે તે બ્લોકમાં ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે. સાથે તમામ કાર્યકરોને સાથે રાખી તમામ બેઠકો જીતવા માટે ભાજપ પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું.
'ક' વર્ગની યાદીને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે : વિપક્ષ કોંગ્રેસ
અમુલ ડેરીની ચૂંટણીની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થતા વિપક્ષી જૂથે નારાજગી વ્યક્ત કરી હતી. પાંચથી સાત મંડળીઓ હાઇકોર્ટમાં જવાની તૈયારીઓ કરી રહી હોવાનું જણાવ્યું છે. જેમાં કપડવંજ બ્લોકમાં સાત અને નડિયાદ બ્લોકમાં ત્રણ સક્ષમ ઉમેદવારોને 'ક' વર્ગમાં મૂકવામાં આવ્યા છે. જેથી 'ક' વર્ગની યાદીને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હોવાનું વિપક્ષ દ્વારા જણાવાયું છે. આગામી દિવસોમાં હાઇકોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાશે.
અમૂલના 12 બ્લોકના મતદારોની સંખ્યા
બ્લોક |
મતદારો |
આણંદ |
૯૩ |
ખંભાત |
૧૦૫ |
બોરસદ |
૯૩ |
પેટલાદ |
૮૯ |
ઠાસરા |
૧૦૭ |
બાલાસિનોર |
૯૪ |
કઠલાલ |
૧૦૪ |
કપડવંજ |
૧૧૨ |
મહેમદાવાદ |
૧૦૪ |
માતર |
૯૦ |
નડિયાદ |
૧૦૭ |
વીરપુર |
૯૫ |