Gujarat

161 ગ્રા.પં.માં બેઠક ખાલી થવાથી ચૂંટણી જાહેર, 21 ગ્રામ પંચાયતમાં આજે મતદાન

By GS TEAM
22 Jun 20253 mins read
161 ગ્રા.પં.માં બેઠક ખાલી થવાથી ચૂંટણી જાહેર, 21 ગ્રામ પંચાયતમાં આજે મતદાન

- અવસાન, રાજીનામું, ફોર્મ નહીં ભરાતા, ગેરલાયક ઠેરવાતા, ચૂંટણી બંધ રહેવાના કારણે

- રાજીનામાના કારણે 8, ગેરલાયક ઠરવાના કારણે એક, અવસાન થતાં 3 અને અવિશ્વાસ દરખાસ્ત પસાર થતાં સરપંચની એક બેઠક ખાલી થઈ હતી : 3 ગ્રામ પંચાયતનું વિસર્જન

ભાવનગર : ભાવનગર જિલ્લાની ૧૬૧ ગ્રામ પંચાયતોમાં વિવિધ કારણોસર સરપંચ અને વોર્ડ સભ્યની બેઠકો ખાલી થવાના કારણે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો. જે પૈકીની ૧૪૦ ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી બેઠકમાં બિનહરીફ અથવા ફોર્મ નહીં ભરાવાના કારણે  ચૂંટણી નહીં થાય. જ્યારે બાકી રહેતી ૨૧ ગ્રામ પંચાયતમાં કાલે રવિવારે મતદાન થશે.

ભાવનગર જિલ્લાની ૧૬૧ ગ્રામ પંચાયતોની મુદ્દત ૨૦૨૭માં પૂરી થાય છે. પરંતુ આ ગ્રામ પંચાયતોમાં હોદ્દેદારના અવસાન થવાથી લઈ ફોર્મ નહીં ભરાતા, ગેરલાયક ઠેરવાથી, રાજીનામા આપવાથી, ચૂંટણી દરમિયાન ઉમેદવારનું અવસાન થતાં ચૂંટણી બંધ રહેવાથી અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થવાથી ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતોમાં સરપંચના કુલ ૧૩ પદ ખાલી પડયાં હતા. જેમાં રાજીનામાના કારણે સાણોદર, નવાગામ (ગા), ધોળા, માંડવી, ભંડારિયા, મોતીશ્રી, નૈપ અને ચારદીકા ગામના સરપંચ મળી કુલ આઠ, આદપુર ગામના સરપંચ ગેરલાયક ઠર્યા હતા, રાજપરા નં.૨, પાદરી (ભં) અને જાંબુડા ગામ મળી ત્રણ સરપંચના અવસાન થતાં અને ભુતેશ્વર પરા ગામના સરપંચ સામે ગત તા.૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ હતી. જેથી આ બેઠકો ખાલી પડતા રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી.

વધુમાં ભાવનગર તાલુકાની રાજગઢ, ઘોઘા તાલુકાની કણકોટ અને પાલિતાણા તાલુકાની આંકોલાળી ગ્રામ પંચાયતનું વિસર્જન થયેલું છે. તેમાંથી રાજગઢ અને કણકોટ ગ્રામ પંચાયતની ચૂંટણી થશે. જ્યારે આંકોલાળી ગ્રામ પંચાયતમાં સમરસ અથવા ફોર્મ નહીં ભરાવાથી ચૂંટણી નહીં થાય. આ ત્રણેય ગ્રામ પંચાયતો પૈકી રાજગઢ અને કણકોટની તા.૨૦ જાન્યુ.૨૦૨૭ અને આંકોલાળીની તા.૧૫ જાન્યુ.૨૦૨૭ના રોજ મુદ્દત પૂરી થવાની હતી.

12 નવી ગ્રામ પંચાયત બની, 3 માં જ ચૂંટણી થશે

ભાવનગર જિલ્લામાં વિભાજનથી નવીન બનેલી ગ્રામ પંચાયતોની સંખ્યા ૧૨ છે. જેમાંથી આવતીકાલે રવિવારે ત્રણ જ ગ્રામ પંચાયતમાં ચૂંટણી થશે. બાકીની નવ ગ્રામ પંચાયત સમરસ અથવા કોઈ ફોર્મ ન ભરાતા થતાં ચૂંટણી ટળી છે. આ ગ્રામ પંચાયતોમાંં ઘોઘા તાલુકાની મલેકવદર, ભંડાર, જેસર તાલુકાની અયાવેજ-૧, ચોક-ચોકિયાપાટી, મુંડકીધાર, પાલિતાણા તાલુકાની હાથસણી, ફાચરા, વલ્લભીપુર તાલુકાની જૂના રામપુર અને રામપુરનો સમાવેશ થાય છે. જ્યારે નવીન બનેલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવાની છે, તેમાં ઘોઘાની કુડા, ભીકડા-સમઢિયાળા અને જેસરની અયાવેજ-૨નો સમાવેશ થાય છે.

347 ગ્રા.પં.ની મુદ્દત 2-3 વર્ષથી પૂર્ણ, 131 ગ્રા.પં.માં ચૂંટણી નહીં થાય

ભાવનગર જિલ્લામાં મુદ્દત પૂરી થઈ ગઈ હોય તેવી ૩૪૭ ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન ચાલતું હતું. વર્ષ ૨૦૨૨ અને વર્ષ ૨૦૨૩માં મુદ્દત પૂરી થઈ હોય તેવી ગ્રામ પંચાયતોની સંખ્યા પર તાલુકા પ્રમાણે નજર કરીએ તો ભાવનગર તાલુકાની ૪૨, ઘોઘા તાલુકાની ૨૯, સિહોર તાલુકાની ૬૨, વલ્લભીપુર તાલુકાની ૪૪, ઉમરાળા તાલુકાની ૨૭, ગારિયાધાર તાલુકાની ૧૦, પાલિતાણા તાલુકાની ૩૩, તળાજા તાલુકાની ૪૪, જેસર તાલુકાની ૯ અને મહુવા તાલુકાની ૪૭ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આ ૩૪૭ ગ્રામ પંચાયતમાંથી ૧૩૧ ગ્રામ પંચાયતમાં સમરસ કે ફોર્મ નહીં ભરાતા ચૂંટણી યોજવામાં નહીં આવે તેમ જાણવા મળ્યું છે.