જૂન પહેલાં ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસનનો અંત આવશેઃવડોદરાની 248 ગ્રામ પંચાયતોની ચૂંટણી
વડોદરાઃ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જૂન પહેલાં યોજાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.વડોદરા જિલ્લામાં પણ કુલ ૫૩૬ ગ્રામ પંચાયતોમાંથી ૨૪૮ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાતાં અઢી વર્ષના વહીવટદાર શાસનનો અંત આવશે.
અનેક ગ્રામ પંચાયતોની ટર્મ પુરી થઇ ગઇ હોવા છતાં ચૂંટણીઓ યોજાઇ નહતી અને વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવતું હતું.જેને કારણે મહત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલી પડતી હોવાની અને વિકાસના કામો પર બ્રેક વાગી હોવાની વિપક્ષ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.બેઠકોનો વર્ગ પણ નક્કી કરવામાં આવ્યો છે.જ્યારે,મતદાર યાદી આખરી તબક્કામાં છે.
મહિના પહેલાં તમામ પંચાયતોની ચૂંટણીઓ સંપન્ન થઇ જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જેને કારણે વડોદરા જિલ્લામાં પણ ૨૪૮ ગ્રામ પંચાયતોમાં અઢી વર્ષથી ચાલતા વહીવટદાર શાસનનો અંત આવશે.
વડોદરા જિલ્લામાં ક્યા તાલુકામાં કેટલી પંચાયતોની ચૂંટણી થશે
તાલુકો પંચાયતની સંખ્યા
કરજણ ૫૮
પાદરા ૪૯
વડોદરા ૩૬
સાવલી ૨૯
ડભોઇ ૨૮
વાઘોડિયા ૨૨
ડેસર ૧૫
શિનોર ૧૧
જાહેરનામા પહેલાં જેની મુદત પુરી થશે તેની પણ ચૂંટણી યોજાશે
ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવે તે પહેલાં જે પણ પંચાયતોની ટર્મ પુરી થઇ હોય તેમની પણ ચૂંટણીઓ યોજવા માટે તૈયારી રાખવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.