ચૂંટણી પંચનો આદેશ : મતદાન માટે કામદારોની રજાનો પગાર નહીં કાપી શકે, થશે આ કાર્યવાહી
ગુજરાત ચૂંટણીને લઈ ઈલેક્શન કમિશનરે લીધો મોટો નિર્ણય
મતદાન માટે ઔદ્યોગિક એકમોના કામદારોને સવેતન આપવા હુકમ
અમદાવાદ, તા. 30 નવેમ્બર 2022, બુધવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ઈલેક્શન કમિશનર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા દરેક લોકો લોકશાહીના આ પર્વમાં જોડાઈ દરેક વ્યક્તિ મતદાન કરે તે માટે રજા જાહેર કરવામાં આવી છે. નોકરીયાત વર્ગ તેમજ ઔદ્યોગિક એકમોના કામદારોને સવેતન રજા આપવાની રહેશે. આ અંગે સબંધિત વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી મતદાન અનુલક્ષીને આ નિર્ણય લેવામા આવ્યો છે. તેમજ આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અનુક્રમે તા. ૧ અને તા. ૫ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાનાર છે. જેમાં કામદારવર્ગ તેમજ નોકરીયાતો સહિત કોઈપણ ધંધાર્થી મતદાન કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે કે, મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યક્તિ કોઈપણ ધંધા- રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી-કામદારોના કિસ્સામાં પણ જો તેની ફરજ પર હોય અને જે મહેનતાણું-પગાર મેળવતાં હોય તે મહેનતાણું મતદાનના દિવસ માટે મતદાન કરવાની રજાના બદલામાં માલિક-નોકરીદાતાએ ચૂકવવાનું રહેશે.
મતદાનના દિવસે ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા
વર્ષ 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં વર્ષ 1996ના લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-135(બી) અનુસાર ધંધા-રોજગાર ઔદ્યોગિક એકમ કચેરી અને અન્ય સંસ્થાઓના માલિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેમના કામદાર/કર્મચારીઓને બે તબક્કામાં એટલે કે અનુક્રમે તા. ૧ અને તા. ૫ ડિસેમ્બરના રોજ જે તે મતવિભાગોમાં જ્યાં ચૂંટણી યોજાનાર છે તેવા વિધાનસભા મતવિભાગોમાં સમાવિષ્ટ વિસ્તારમાં મતદાનના દિવસે ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા આપવાની રહેશે.
નિર્ણયનુ પાલન ન કરનાર ઔદ્યોગિક એકમ વિરૂદ્ધ થશે કાર્યવાહી
મુખ્ય નિર્વાચન અધિકારીએ વધુમાં જણાવ્યું હતુ કે, મતદાર જે વિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જો સામાન્ય કે પેટા-ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તેવા મતદાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-135(બી)(1) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે. આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર માલિક-નોકરીદાતા દંડ-શિક્ષાને પાત્ર રહેશે.