Get The App

અંકલેશ્વરમાં દાન મેળવવાની લાલચે વૃદ્ધાએ રૂ.1.67 લાખની કિંમતના દાગીના ગુમાવ્યા

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
અંકલેશ્વરમાં દાન મેળવવાની લાલચે વૃદ્ધાએ રૂ.1.67 લાખની કિંમતના દાગીના ગુમાવ્યા 1 - image

Bharuch News : અંકલેશ્વર ગામ ખાતે દાન અપાવવાની લાલચ આપી વૃદ્ધાએ પહેરેલ રૂ. 1.67 લાખની કિંમતના સોનાના દાગીના થેલીમાં મુકાવી અજાણ્યા બે ગઠિયા ફરાર થઈ જતા ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગણેશ પાર્કમાં રહેતા 65 વર્ષીય હીરાબેન ખરાડે પુત્રીના ઘરે ટ્યુશન ક્લાસીસમાં બાળકોની સાર સંભાળ રાખે છે. ગઈ તા.18 ઓગષ્ટના રોજ તેઓ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પુત્રીના ઘરે બાળકોની સાર સંભાળ માટે ચાલતા જઈ રહ્યા હતા. તે વખતે અવધૂત વિલા સોસાયટીની સામે બે અજાણ્યા શખ્સો તેમની પાસે પહોંચ્યા હતા. તેમણે હીરાબેનને કહ્યું હતું કે, "અમારા શેઠના ઘરે પુત્રનો જન્મ થયો છે અને તેઓ ગરીબ લોકોને દાન આપે છે , અમે તમને દાન અપાવીશું". તેવું કહેતા હીરાબેન તેમની સાથે ચાલવા લાગ્યા હતા. આ દરમ્યાન  તેઓએ હીરાબેન ને કહ્યું હતું કે, "તમે પહેરેલ સોનાના ઘરેણા ઉતારી દો નહીં તો શેઠને લાગશે કે તમે ગરીબ નથી અને દાન નહીં આપે". જેથી હીરાબેને રૂ. 1,67,022 ની કિંમતના સોનાનું મંગળસૂત્ર અને સોનાની કડી નીકાળી પોતાના પર્સમાં મૂક્યા હતા. અને તે પર્સ બંને શખ્સો પાસેની થેલીમાં મૂક્યું હતું. ત્યારબાદ "અમે શેઠ પાસે જઈને આવીએ છીએ, તમે અહીં બેસજો" તેમ કહી બંને શખ્સો રફુચક્કર થઈ ગયા હતા. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બંને શખ્સો વિરુદ્ધ ઠગાઈ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.